લંડનઃ જસ્ટિસ સેક્રેટરી ડેવિડ લેમીએ જાહેરાત કરી છે કે ઇંગ્લેન્ડ અને વેલ્સમાં 3 વર્ષ કરતાં ઓછી જેલની સજાની જોગવાઇ હોય તેવા અપરાધોના કેસોમાં જ્યુરી ટ્રાયલ બંધ કરાશે. કેસોના નિકાલમાં થઇ રહેલા વિલંબ અને અદાલતો પર કેસોનું ભારણ ઘટાડવા માટે સરકાર જસ્ટિસ સિસ્ટમમાં મહત્વના સુધારા કરવા જઇ રહી છે. તે અંતર્ગત સરકાર સ્વિફ્ટ કોર્ટોની રચના કરશે.
હત્યા, લૂટ અને બળાત્કાર જેવા ગંભીર અપરાધોમાં જ્યુરી ટ્રાયલ જારી રહેશે. ક્રિમિનલ કેસોમાં સુનાવણી કરતા વોલન્ટિયર કોમ્યુનિટી મેજિસ્ટ્રેટ વધુ કામો કરી શકશે. ડેવિડ લેમીએ જણાવ્યું હતું કે, જ્યુડિશિયલ સિસ્ટમમાં સુધારા જરૂરી છે. જોકે કન્ઝર્વેટિવ પાર્ટીએ આરોપ મૂક્યો છે કે સરકાર જ્યુરી ટ્રાયલ ખતમ કરવાની યોજના શરૂ કરી ચૂકી છે.
જોકે લેમીએ હાઉસ ઓફ કોમન્સમાં સુધારાઓની જાહેરાત કરતાં આકરા સુધારાથી દૂર રહેવાનું નક્કી કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, નવી સિસ્ટમના કારણે કેસોનો ઝડપી નિકાલ કરી શકાશે. વર્ષ 2028 સુધીમાં ક્રાઉન કોર્ટોમાં પડતર કેસોની સંખ્યા હાલના 78000થી વધીને 1,00,000 સુધી પહોંચવાનો અંદાજ છે.


