ઇંગ્લેન્ડ અને વેલ્સમાં દર 100માંથી એક પોલીસ કર્મી સામે ફોજદારી આરોપો

છેલ્લા એક દાયકામાં પોલીસ સામે અપરાધની ફરિયાદોમાં 590 ટકાનો ઉછાળો

Tuesday 28th February 2023 11:47 EST
 
 

લંડન

વર્ષ 2022માં ઇંગ્લેન્ડ અને વેલ્સમાં દર 100 પોલીસ કર્મચારી પૈકીના એક સામે બળાત્કાર સહિતના ફોજદારી ગુના નોંધાયા હતા. 2022માં અપરાધિક આરોપોનો સામનો કરી રહેલા 1387 પોલીસ કર્મચારીઓએ લીગલ સપોર્ટ માટે અપીલ કરી હતી. આંકડા દર્શાવે છે કે 2012 પછી પોલીસ અધિકારીઓ સામે નોંધાયેલા ફોજદારી આરોપોમાં 590 ટકાનો મોટો ઉછાળો નોંધાયો છે. 2012માં ફક્ત 235 કર્મચારીઓએ પોલીસ ફેડરેશન ઓફ ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ પાસે લીગલ સપોર્ટની માગ કરી હતી. આ ફેડરેશન 1,40,000 પૂર્વ અને વર્તમાન પોલીસ કર્મચારીઓનું પ્રતિનિધિત્વ કરે છે અને દર વર્ષે લાખો પાઉન્ડનો લીગલ ફી પેટે ખર્ચ કરે છે. પોલીસ દળમાં જોડાનાર દરેક કર્મચારી આ સંગઠનનો આપોઆપ સભ્ય બની જાય છે. આ સંગઠન પોલીસ કર્મચારીઓ સામે મૂકાયેલા આરોપોમાં કેસ લડવામાં મદદ કરે છે.

નવા આંકડા દર્શાવે છે કે સમય વીતવાની સાથે પોલીસ કર્મચારીઓ ગંભીર પ્રકારના અપરાધોમાં સંડોવાઇ રહ્યાં છે. તાજેતરમાં જ મેટ ઓફિસર ડેવિડ કેર્રિકને બળાત્કારના આરોપસર આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. 2021માં પોલીસ અધિકારી વેયન કૌઝેન પર મહિલાના બળાત્કાર અને હત્યાનો આરોપ મૂકાયો હતો.

પોલીસ દ્વારા હત્યાના કિસ્સામાં વંશીય ભેદભાવની પુરતી તપાસ થતી નથી

ચેરિટી ઇન્ક્વેસ્ટે આરોપ મૂક્યો છે કે અશ્વેત લોકોની હત્યામાં પોલીસ દ્વારા કરાતા વંશીય ભેદભાવની પુરતી ચકાસણી થતી નથી. પોલીસ દ્વારા અટકાયતમાં લેવાયા બાદ શ્વેતોની સરખામણીમાં અશ્વેતના મૃત્યુની સાત ગણી સંભાવના રહેલી છે. ચેરિટીના ડિરેક્ટર ડેબોરાહ કોલ્સે જણાવ્યું હતું કે, પોલીસમાં વંશીય ભેદભાવના મૂળિયા ઊંડે સુધી વ્યાપેલા છે. ઇન્ડિપેન્ડન્સ ઓફિસ ફોર પોલીસ કન્ડક્ટના જણાવ્યા અનુસાર અમે પોલીસ કસ્ટડીમાં થતા મોત ઘટાડવા પ્રતિબદ્ધ છીએ. ચેરિટી દ્વારા જારી કરાયેલા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, પોલીસના સંપર્કમાં આવ્યા બાદ થતા મોતની તપાસની સિસ્ટમ બરાબર કામ કરતી નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter