લંડનઃ ઇંગ્લેન્ડ અને વેલ્સમાં પહેલીવાર હજારો પોલીસ અધિકારીઓ હડતાળ પાડવાના અધિકાર અંગે મતદાન કરશે. પોલીસ ફેડરેશન ઓફ ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સમાં 1,45,000 સભ્ય છે જેમાં કોન્સ્ટેબલથી માંડીને ચીફ ઇન્સ્પેક્ટર સુધીના સ્તરના કર્મચારીઓનો સમાવેશ થાય છે. હાલ ફેડરેશન આ સૌથી મોટા બદલાવ માટે વકીલોની સલાહ લઇ રહ્યું છે. અત્યારે પોલીસને હડતાળનો અધિકાર નથી કારણ કે તેઓ ટેકનિકલી સરકારના કર્મચારી નથી પરંતુ રાજગાદીના સર્વન્ટ ગણાય છે. તેનો અર્થ એ થયો કે જો તેમની પાસે હડતાળનો અધિકાર નથી તો તેમને કન્ડક્ટ ઇશ્યૂ ન હોય ત્યાં સુધી બરતરફ પણ કરી શકાતાં નથી.
ફેડરેશને જણાવ્યું હતું કે, પોલીસ કર્મચારીઓની માટેના કામગીરીના નિયમો અને નબળી સ્થિતિઓ અંગે સરકાર સમક્ષ દાયકા કરતાં વધુ સમયથી રજૂઆત થઇ રહી છે. તેથી હવે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર પોલીસ કર્મચારીઓની આ રજૂઆત સામે સતત આંખ આડા કાન કરી રહી હોવાનો આરોપ પણ ફેડરેશને મૂક્યો છે.


