ઇંગ્લેન્ડ અને વેલ્સમાં વીજળીની ચોરી રેકોર્ડ સપાટી પર પહોંચી

મોંઘવારીના કારણે લોકો વીજળીની ચોરી માટે મજબૂર બની રહ્યાં છે

Tuesday 03rd October 2023 11:57 EDT
 
 

લંડનઃ ઇંગ્લેન્ડ અને વેલ્સમાં વીજળીની ચોરી ચરમસીમા પર પહોંચી છે. આના માટે ગાંજાના ખેતરો, ક્રિપ્ટોકરન્સી માઇન્સ અને કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસને જવાબદાર ગણાવવામાં આવી રહી છે. બીબીસીએ કરેલી એક સમીક્ષા અનુસાર 2012 પછી વીજળીની ચોરીમાં 75 ટકાનો વધારો થયો છે. 2021-22માં વીજળી ચોરીના 3500 કેસ નોંધાયા હતાં. 10 પોલીસ સ્ટેશન વિસ્તારોમાં વીજળી ચોરીના અપરાધો બમણા થયાં છે. પોલીસના જણાવ્યા અનુસાર આ સમસ્યા વકરી રહી છે. અપરાધીઓ વીજળીની ચોરી માટે મીટરો સાથે ચેડાં કરે છે અથવા તો મીટરને બાયપાસ કરીને જ સીધું જોડાણ કરી લે છે. જેના કારણે જીવંત વાયરો ખુલ્લા રહી શકે છે અને ફ્યુઝ બોક્સને બાયપાસ કરવાથી ઘરના સાધનો ઓવરહીટ થઇ આગ લાગી શકે છે અને તેના કારણે મોત પણ થઇ શકે છે.

બીબીસીના જણાવ્યા અનુસાર છેલ્લા 3 વર્ષમાં વીજળી ચોરીના અપરાધો રેકોર્ડ સપાટી પર પહોંચ્યા છે. મિડલેન્ડ્સના વિસ્તારોમાં વીજળી ચોરીમાં 6 ગણો વધારો થયો છે જ્યારે હર્ટફોર્ડશાયરમાં 69 ટકા અપરાધ વધ્યાં છે.

લંડન ફાયર બ્રિગેડના આસિસ્ટન્ટ કમિશ્નર ચાર્લી પગ્સલે કહે છે કે વીજળી ચોરીના કારણે આગ લાગવાનું જોખમ વધે છે. વીજળી ચોરી કરાતી હોય તેવા સ્થળોમાં લોકોના જીવન પર સૌથી વધુ જોખમ રહેલું છે. તે ઉપરાંત વીજળીના કારણે લાગતી આગના કારણે ફાયરબ્રિગેડના કર્મચારીઓ પરનું જોખમ પણ વધી જાય છે.

તેમણે જણાવ્યું હતું કે, મોંઘવારીના કારણે પણ કેટલાક લોકો મીટર સાથે ચેડાં કરીને વીજળીની ચોરી માટે મજબૂર બની રહ્યાં છે. વીજળીના દરોમાં તોતિંગ વધારાના કારણે અમે વીજળીની ચોરીને વખોડી પણ શક્તાં નથી કારણ કે આ અસામાન્ય બાબત નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter