લંડનઃ ઇંગ્લેન્ડ અને વેલ્સમાં તમામ એજ્યુકેશનલ ગ્રુપમાં છેલ્લા એક દાયકામાં જન્મદર તળિયે પહોંચ્યો છે. ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા કરાયેલા એક રિસર્ચ પ્રમાણે મહિલાઓ હવે વધુ બાળકોને જન્મ આપવાનું પસંદ કરતી નથી. મહિલાઓ હવે મોટી ઊંમરે માતા બનવાનું પસંદ કરે છે. ઓછું ભણેલી મહિલાઓની સરખામણીમાં વધુ ભણેલી મહિલાઓમાં જન્મદરનું પ્રમાણ ઝડપથી ઘટી રહ્યું છે. 2010થી 2020માં ઉચ્ચ શિક્ષિત મહિલાઓમાં જન્મદરનું પ્રમાણ પ્રતિ મહિલા 1.8થી ઘટીને 1.4 પર આવી ગયું હતું.
ઓછુ ભણેલી મહિલાઓ યુવાવસ્થામાં જ બાળકોને જન્મ આપે છે પરંતુ હવે આ કેટેગરીમાં પણ જન્મદર ઘટી રહ્યો છે. તેનો અર્થ એ થયો કે મહિલાઓ યુવાવસ્થામાં બાળકને જન્મ આપવાનું પસંદ કરી રહી નથી.
ઓક્સફર્ડના પ્રોફેસર જ્હોન એર્મિસ્કે આ રિસર્ચમાં ઓફિસ ફોર નેશનલ સ્ટેટિક્સના ફર્ટિલિટી પરના ઇંગ્લેન્ડ અને વેલ્સના આંકડાનો ઉપયોગ કર્યો હતો. આંકડા દર્શાવે છે કે 2010માં મહિલાઓમાં ફર્ટિલિટી રેટ 1.94 બાળક પ્રતિ મહિલા હતો જે 2021માં ઘટીને 1.55 પર આવી ગયો હતો. અન્ય યુરોપિયન દેશોમાં પણ આ પ્રકારનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.

