લંડનઃ ઇંગ્લેન્ડ અને વેલ્સની સડકો ગાબડાંના કારણે બ્રેકિંગ પોઇન્ટ પર પહોંચી ગઇ છે. નવા રિપોર્ટ અનુસાર સડકની મરામતની જરૂરીયાત વિક્રમજનક સ્તર પર પહોંચી છે. આસ્ફાલ્ટ ઇન્ડસ્ટ્રી એલાયન્સના જણાવ્યા અનુસાર ચાલુ નાણાકીય વર્ષમાં કાઉન્સિલો દ્વારા સડકો પર બે મિલિયન કરતાં વધુ ગાબડાં પૂરાય તેવી અપેક્ષા હતી જે ગયા વર્ષ કરતાં 43 ટકાનો વધારો દર્શાવે છે. સરકારે જણાવ્યું છે કે આગામી 11 વર્ષમાં ઇંગ્લેન્ડમાં સડકોની મરામત માટે વધારાનું 8.3 બિલિયન પાઉન્ડનું ભંડોળ ફાળવવામાં આવશે.
રિપોર્ટ અનુસાર 47 ટકા સડકો સારી હાલતમાં છે જ્યારે 36 ટકા સડકો ઠીક કહી શકાય. 17 ટકા સડકો અત્યંત બદતર સ્થિતિમાં છે. સરવે અનુસાર સરેરાશ હાઇવે મેન્ટેનન્સ બજેટમાં 2.3 ટકા સુધીનો વધારો થયો છે. સ્થાનિક સડકોની મરામત માટે કાઉન્સિલોને 16.3 બિલિયન પાઉન્ડની જરૂર છે જે ગયા વર્ષ કરતાં 16 ટકાનો વધારો દર્શાવે છે. ફુગાવાના કારણે આ ખર્ચમાં પણ વધારો થયો છે.