લંડનઃ ઇંગ્લેન્ડ અને વેલ્સમાં હેટ ક્રાઇમ ઐતિહાસિક ઉચ્ચતમ સ્તરે પહોંચ્યા છે. હોમ ઓફિસના તાજેતરના આંકડા અનુસાર, માર્ચ 2026માં પૂરા થતા વર્ષ દરમિયાન પોલીસ ચોપડે કુલ 1,46,825 હેટક્રાઇમ નોંધાયા છે જે અગાઉના 12 મહિનાની સરખામણીએ 7 ટકાનો વધારો દર્શાવે છે.
ધાર્મિક નફરતના કિસ્સાઓમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે, જે આશરે 10,000 કિસ્સાથી 13 ટકા વધીને લગભગ 11,500 સુધી પહોંચી ગયો છે. મુસ્લિમોને નિશાન બનાવતી ઘટનાઓમાં 15 ટકાનો વધારો થયો છે અને કુલ આંકડો 5,132 નોંધાયો છે. યહૂદીઓ વિરુદ્ધના હેટ ક્રાઇમ 10 ટકા વધીને 3,162 થયા છે.
પ્રાદેશિક સ્તરે, ગ્રેટર માન્ચેસ્ટરમાં પ્રતિ એક લાખ લોકોએ 431 હેટ ક્રાઇમ સાથે સૌથી વધુ દર નોંધાયો હતો. ત્યારબાદ મર્સીસાઇડ (409) અને એવૉન એન્ડ સમરસેટ (395) અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમે રહ્યા હતા.
પોલિસિંગ મિનિસ્ટર સારાહ જોન્સે જણાવ્યું હતું કે, આ આંકડા એક ગંભીર ચેતવણી આપે છે કે નફરત હજુ પણ આપણા સમાજને નુકસાન પહોંચાડી રહી છે. માત્ર પોતાની ઓળખના કારણે લોકોને ધમકીઓ કે હિંસાનો ભોગ બનાવાય તે આ સરકાર ચલાવી લેશે નહીં. પોલીસ આવી ઘટનાઓ સામે સખત પગલાં લે તેને અમે સંપૂર્ણ ટેકો આપીએ છીએ.


