લંડનઃ વોર્નર બ્રધર્સ ડિસ્કવરીના પૂર્વ ફાઇનાન્સ એક્ઝિક્યુટિવ નિમેશ કટારિયાની ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડના નવા ચીફ ફાઇનાન્સિયલ ફિસર તરીકે નિયુક્તિ કરાઇ છે. તેઓ એપ્રિલ 2024થી નવા હોદ્દા પર કામગીરી શરૂ કરશે. સ્કોટ સ્મિથના આઠ વર્ષના કાર્યકાળ બાદ આ નિયુક્તિ કરાઇ છે.
ઇસીબીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર રિચર્ડ ગાઉલ્ડે જણાવ્યું હતું કે, અમારી રમત માટે મહત્વનો સમય ચાલી રહ્યો છે ત્યારે કટારિયાની નિયુક્તિને અમે આવકારીએ છીએ. ફાઇનાન્સ મેનેજમેન્ટમાં તેમની કામગીરી અને આંતરસૂઝ ક્રિકેટને પ્રોત્સાહન આપવામાં મૂલ્યવાન પૂરવાર થશે. કટારિયાએ જણાવ્યું હતું કે, ઇસીબી સાથે જોડાવાનું મને ગૌરવ છે અને ક્રિકેટની પ્રગતિનો હિસ્સો બનવા તથા વધુ લોકોને ક્રિકેટના દિવાના બનાવવાની આશા રાખું છું. હું આજીવન ક્રિકેટનો ચાહક રહ્યો છું. ઇંગ્લેન્ડ અને વેલ્સમાં ક્રિકેટ વધુ પ્રચલિત બને તે મારી સામેનો પડતાર છે. હું મને મળેલી તક માટે ઘણો ઉત્તેજિત છું. અમારે ભાવિ પેઢી માટે ક્રિકેટના ભવિષ્યને સુરક્ષિત કરવાનું છે.