ઇંગ્લેન્ડના અડધાથી વધુ વિસ્તારમાં દુકાળની સત્તાવાર જાહેરાત

ઇંગ્લેન્ડમાં માત્ર 7 ટકા વરસાદ, કેટલાક વિસ્તારમાં ફક્ત એક ટકો વરસાદ

Tuesday 04th August 2026 12:51 EDT
 
 

લંડનઃ સરકારે જણાવ્યું છે કે વરસાદમાં વિક્રમી ઘટાડા અને અસાધારણ ગરમીના કારણે ઇંગ્લેન્ડના અડધાથી વધુ વિસ્તારોમાં દુકાળની સ્થિતિ પ્રવર્તી રહી છે. પર્યાવરણ એજન્સીના જણાવ્યા અનુસાર, દેશમાં અત્યાર સુધીનો સૌથી સૂકો જુલાઈ મહિનો નોંધાવાના એંધાણ છે, જેમાં સમગ્ર દેશમાં અપેક્ષિત વરસાદના માત્ર સાત ટકા વરસાદ થયો છે અને દક્ષિણ ઇંગ્લેન્ડના કેટલાક વિસ્તારોમાં તો માત્ર એક ટકા જ વરસાદ નોંધાયો છે.

આ પરિસ્થિતિને ઝડપથી પ્રસરી રહેલો દુકાળ ગણાવતા એજન્સીએ નોંધ્યું હતું કે, અતિ ઓછો વરસાદ અને વધતા તાપમાનના કારણોસર સતત બીજા વર્ષે ઇંગ્લેન્ડના વિસ્તારો દુષ્કાળનો સામનો કરી રહ્યા છે. નદીઓમાં પાણીનું સ્તર ઘટી રહ્યું છે, ખેડૂતોને પાકની વહેલી લણણી કરવાની ફરજ પડી રહી છે, દાવાનળનું જોખમ વધી રહ્યું છે અને લાખો લોકો પાણીના વપરાશ પરના નિયંત્રણો હેઠળ જીવી રહ્યા છે.

દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવેલા સાત વિસ્તારોમાં લંડન, ઈસ્ટ એંગ્લિયા, દક્ષિણ-પશ્ચિમ ઇંગ્લેન્ડનો સમગ્ર વિસ્તાર અને વેસ્ટ મિડલેન્ડ્સનો સમાવેશ થાય છે, જે દેશના 51.4 ટકા વિસ્તારને આવરી લે છે.

આ વર્ષે ઇંગ્લેન્ડમાં ગરમીથી થતાં મૃત્યુનો નવો રેકોર્ડ સર્જાવાની સંભાવના

યુકે હેલ્થ સિક્યોરિટી એજન્સી (UKHSA)ના પ્રારંભિક આંકડા અનુસાર આ વર્ષે ઇંગ્લેન્ડમાં ગરમી સંબંધિત મૃત્યુનો આંકડો અત્યાર સુધીનો સૌથી ઊંચો નોંધાય તેવી શક્યતા છે.એજન્સીના અંદાજ મુજબ મે અને જૂન મહિના દરમિયાન તીવ્ર હીટવેવના કારણે આશરે 2,877ના મોત થયા છે, જે ગયા વર્ષના કુલ આંકડા કરતાં લગભગ બમણા છે. આ અગાઉ વર્ષ 2022માં ગરમીના કારણે સૌથી વધુ 2,985ના મોતનો રેકોર્ડ નોંધાયો હતો.

દુકાળના પગલે ખેડૂતોએ આપી ખાદ્યપદાર્થોની અછતની ચેતવણી

નેશનલ ફાર્મર્સ યુનિયને ચેતવણી આપી છે કે ભીષણ દુકાળને પગલે દેશમાં ચોક્કસ ખાદ્યપદાર્થોની અછત સર્જાઇ શકે છે. શિયાળા દરમિયાન દેશભરના ખેતરો પૂરથી પ્રભાવિત થયા હતા જેના કારણે વાવણી અત્યંત મુશ્કેલ બની હતી. હવે ઘણા વિસ્તારોમાં દુષ્કાળના કારણે સિંચાઈ પર નિયંત્રણો મુકાતા ખેડૂતોને પુરતું પાણી પણ મળી રહ્યું નથી. છેલ્લા પાંચ વર્ષમાં આ ત્રીજો દુષ્કાળ છે. ઘઉં પકવતા ખેડૂતોનું કહેવું છે કે તેમનો પાક સામાન્ય ઊંચાઈ કરતાં અડધો જ રહી ગયો છે. પાકને બચાવવા માટે ખેડૂતોની મથામણ વચ્ચે ઇંગ્લેન્ડમાં ઇતિહાસની સૌથી વહેલી લણણી જોવા મળી રહી છે. આ પરિસ્થિતિ ખાદ્યપદાર્થોની અછત તરફ દોરી શકે છે.  વિશ્વના અન્ય દેશો જેના પર બ્રિટન ખોરાક અને શાકભાજી માટે નિર્ભર છે તેમની આબોહવા પણ બદલાઈ રહી છે. એવું લાગી રહ્યું છે કે ટૂંક સમયમાં ખાદ્ય ઉત્પાદનોની અછત ઊભી થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter