લંડનઃ ઇંગ્લેન્ડના કેટલાક વિસ્તારોમાં મહિનામાં ફક્ત એકવાર કચરો ઉઠાવવામાં આવે તેવી સંભાવના છે. સરકારે રેગ્યુલર બીન પીક અપ્સની સંખ્યામાં ઘટાડો કરવાની મંજૂરી આપી દીધી છે. અગાઉની કન્ઝર્વેટિવ સરકારે કાઉન્સિલો માટે બ્લેક બીન્સમાંથી કચરો 15 દિવસમાં ઓછામાં ઓછો એકવાર એકઠો કરવાનું ફરજિયાત કર્યું હતું. જેમાં સાપ્તાહિક એંઠવાડનો કચરો ઉઠાવવાનો પણ સમાવેશ થતો હતો.
હવે લેબર સરકાર દ્વારા જારી કરાયેલી યોજના અનુસાર બેઝ લેવલનો ઉલ્લેખ જ કરાયો નથી. યોજનામાં ફક્ત એટલું કહેવામાં આવ્યું છે કે કાઉન્સિલો એવી રીતે કચરો ઉઘરાવવાનું શરૂ કરે જેથી કચરાનો ઢગ ન સર્જાય અને જે તે વિસ્તારમાં દુર્ગંધ ન પ્રસરે.
જોકે આ પ્રકારની વ્યવસ્થાના કારણે લોકો ગમે ત્યાં કચરો ફેંકીને જતા રહે તેવું જોખમ પણ તોળાઇ રહ્યું છે. કાઉન્સિલોએ એવી રીતે બદલાવ કરવા જોઇએ જેથી જાહેર જનતા માટે સમસ્યા ન સર્જાય.
અગાઉ એક અખબારી અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, દરેક ઘરને ચાર કચરા પેટી આપવા કાઉન્સિલોને સૂચના અપાશે જેથી તેઓ કચરાને વર્ગીકૃત કરીને પેટીમાં નાખે. હાલમાં કેટલીક કાઉન્સિલો દ્વારા જનતાને ઓછામાં ઓછી 10 કચરા પેટીમાં કચરો વર્ગીકૃત કરીને નાખવા જણાવવામાં આવે છે.

