લંડન
ગ્રામીણ ઇંગ્લેન્ડમાં થતા વંશીય ભેદભાવનો અભ્યાસ કરવા 40 કોમ્યુનિટી રિસર્ચ પાર્ટનરની એક ટીમ તૈયાર કરાઇ છે. બે વર્ષ સુધી ચાલનારા આ અભ્યાસમાં ગ્રામીણ વિસ્તારોમાં વધી રહેલી લઘુમતી વંશીય સમુદાયની વસતીની વાસ્તવિક સ્થિતિ પર સરવે કરાશે. આ અભ્યાસમાં સામેલ લોકોનું કહેવું છે કે સમગ્ર દેશના ગ્રામીણ નગરો અને ગામોમાં કેવા પ્રકારનો વંશીય ભેદભાવ થાય છે તે અમે ઉજાગર કરવા માગીએ છીએ.
આ પ્રોજેક્ટ માટે વંશીય લઘુમતી સમુદાયના જ 40 વ્યક્તિઓની એક ટીમ બનાવવામાં આવી છે. તેઓ ઇંગ્લેન્ડના ગ્રામીણ વિસ્તારોમાં થતા વંશીય ભેદભાવ અંગેની માહિતી વાર્તા, તસવીરો, કવિતા અને અન્ય આર્ટ આધારિતી મીડિયા સ્વરૂપે રેકોર્ડ કરશે. આ તમામ લોકો લેસ્ટર યુનિવર્સિટી ખાતેના નિષ્ણાતો છે. યુનિવર્સિટીએ જણાવ્યું હતું કે, આ ક્ષેત્રમાં રહેલા રિસર્ચરને નિયમિત રીતે વંશીય ભેદભાવની ઘટનાઓ અંગે સોશિયલ મીડિયા અથવા તો ઇમેલ દ્વારા જાણકારી મળે છે. આ ટીમનું નેતૃત્વ લેસ્ટર યુનિવર્સિટીમં સેન્ટર ફોર હેટ સ્ટડીઝના ડિરેક્ટર પ્રોફેસર નીલ ચક્રવર્તી કરી રહ્યાં છે. તેમની ટીમમાં ડો. એમી ક્લાર્ક, પ્રોફેસર કોરિન ફાઉલરનો પણ સમાવેશ કરાયો છે.
પ્રોફેસર નીલ ચક્રવર્તીએ જણાવ્યું હતું કે, અમારા અગાઉના રિસર્ચમાં સામે આવ્યું હતું કે, ગ્રામીણ વિસ્તારોમાં વંશીય ભેદભાવ સામે આંખ આડા કાન કરવામાં આવે છે. અમે નવા રિસર્ચ દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં વંશીય ભેદભાવના નવા પુરાવા એકઠાં કરવા માગીએ છીએ. જેથી સમાજના તમામ વર્ગ ગ્રામીણ વિસ્તારોમાં કોઇપણ પ્રકારની હેરાનગતિ વિના જીવન જીવી શકે. આ પ્રોજેક્ટનો પ્રારંભ 1 ઓક્ટોબર 2023થી શરૂ થશે.


