લંડનઃ ઇંગ્લેન્ડના મેયરોને પર્યતકોના રાત્રિરોકાણ પર નવો કર લાદવાની સત્તા આપવામાં આવશે. સરકારના જણાવ્યા અનુસાર, આ નિર્ણયથી સ્થાનિક વિસ્તારોમાં વધુ ભંડોળનું રોકાણ કરી શકાશે. આ યોજના હેઠળ, સ્થાનિક નેતાઓ હોટેલ્સ, બેડ એન્ડ બ્રેકફાસ્ટ અને અન્ય રહેઠાણોના ખર્ચના નિશ્ચિત ટકાવારીના આધારે ટુરિસ્ટ ટેક્સ વસૂલી શકશે.
હોસ્પિટાલિટી ક્ષેત્રના અગ્રણીઓએ ચેતવણી આપી છે કે આ નિર્ણયથી રોજગારી જોખમમાં મુકાશે અને સામાન્ય પરિવારના બજેટ પર બોજ વધશે. હોટેલ્સ અને એરબીએનબી પર ટેક્સ લાદવાની વ્યાપક સત્તા આપવાની જાહેરાત બાદ સરકારને હોસ્પિટાલિટી ક્ષેત્રના તીવ્ર વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. યુકેહોસ્પિટાલિટી ટ્રેડ બોડી અનુસાર, સમગ્ર ઇંગ્લેન્ડમાં 5 ટકા રાત્રિ રોકાણ વેરો લાદવાથી 33,000 નોકરીઓ છીનવાઈ શકે છે અને અર્થતંત્રને 2 બિલિયન પાઉન્ડનું નુકસાન થઈ શકે છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જ્યારે નાણાકીય સંકટનો સામનો કરી રહી છે, ત્યારે પ્રાદેશિક નેતાઓએ આ પગલાંને આવકનું મહત્વનું સાધન ગણાવીને વધાવી લીધું છે.
માઇગ્રન્ટ્સને આશ્રય આપતી હોટેલોને ટુરિસ્ટ ટેક્સમાંથી મુક્તિ અપાતા વિવાદ
ટૂરિસ્ટ ટેક્સ લાદવાની છૂટ આપવામાં આવ્યા બાદ એક નવો વિવાદ ઊભો થયો છે. ટેક્સપેયર્સના ભંડોળથી ચાલતી અને અસાયલમ સિકર્સ માટે ઉપયોગમાં લેવાતી હોટેલોને આ નવા ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે, કારણ કે તેમને ટેમ્પરરી એકોમોડેશન તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે. આ નિર્ણય સામે પર્યટન ઉદ્યોગ અને વિપક્ષી નેતાઓએ ભારે વિરોધ દર્શાવ્યો છે.


