ઇંગ્લેન્ડના વિસ્તારોને પૂરના પાણીએ ઘમરોળ્યાં, સેંકડો પ્રોપર્ટી પૂરમાં ગરકાવ

પૂરના કારણે વ્યાપક નુકસાન, સેંકડો લોકોને સલામત સ્થળોએ ખસેડાયાં

Tuesday 09th January 2024 11:28 EST
 
 

લંડનઃ ગયા સપ્તાહમાં ત્રાટકેલા શક્તિશાળી ચક્રવાતી તોફાન અને ભારે વરસાદના કારણે ઇંગ્લેન્ડના સંખ્યાબંધ વિસ્તારો પૂરની ઝપેટમાં આવી જતાં સેંકડો મકાનો પૂરના પાણીમાં ગરકાવ થઇ ગયાં હતાં. મિડલેન્ડ્સ, ઇસ્ટ એન્ગ્લિયા અને સધર્ન ઇંગ્લેન્ડ સહિતના વિસ્તારોમાં 280 જેટલી પૂરની ચેતવણી જારી કરાઇ હતી. ઘણા લોકોને તેમના મકાનોમાંથી ખસેડીને સુરક્ષિત સ્થળે લઇ જવાયાં હતાં. સડકો અને રેલવે ટ્રેક પર પૂરના પાણી ફરી વળતાં ટ્રાન્સપોર્ટ સેવાઓને પણ અસર થઇ હતી.

નોટિંગહામશાયરમાં ટ્રેન્ટ નદીના કેચમેન્ટ વિસ્તારમાં 100 કરતાં વધુ ઘરોમાં પૂરના પાણી ઘૂસી ગયાં હતાં. ટ્રેન્ટ નદીમાં આવેલા પૂરના કારણે સ્થિતિ અત્યંત ગંભીર બની હતી. એન્વાયરમેન્ટ એજન્સીના ફ્લડ ડિરેક્ટર કેરોલિન ડગ્લાસે જણાવ્યું હતું કે, ઇંગ્લેન્ડમાં આ સપ્તાહમાં 1000 કરતાં વધુ પ્રોપર્ટીમાં પૂરના પાણી ઘૂસી ગયાં હતાં. શુક્રવારે રાત્રે સ્થિતિ વધુ ગંભીર બની હતી. એલની આઇલેન્ડમાં 50 પ્રોપર્ટીમાંથી લોકોને સલામત સ્થળે ખસેડાયાં હતાં. હેકની વિકમાં કેનાલમાં ગાબડું પડવાના કારણે 10 એકરના વિસ્તારમાં પૂરના પાણી ફરી વળતાં ફાયરવિભાગે 50 લોકોને સલામત સ્થળે ખસેડ્યાં હતાં. થેમ્સ નદીના કિનારે આવેલા ટેમ્પલ પાયર ખાતે એક પાર્ટી બોટ ફસાઇ ગઇ હતી. બીજીતરફ વિપક્ષે માગ કરી છે કે વડાપ્રધાન સુનાક પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter