લંડનઃ ઇંગ્લેન્ડના સૌથી વધુ અસુરક્ષિત લોકોમાંથી અડધા મિલિયન લોકોને આરોગ્ય જરૂરિયાતો માટે સક્રિય મદદ મળશે, જે નેશનલ કેર સર્વિસ માટે ડાઉનપેમેન્ટ તરીકે કામ કરશે, તેવી જાહેરાત હેલ્થ સેક્રેટરી કૂપરે કરી છે.
વૃદ્ધો, કેર હોમના રહેવાસીઓ, ડિમેન્શિયાથી પીડિત લોકો અને જીવનના અંતિમ તબક્કામાં રહેલા લોકોને એનએચએસ અને સોશિયલ કેર સ્ટાફની નવી સંયુક્ત ટીમો તરફથી મદદ મળશે. કૂપરે જણાવ્યું હતું કે આ અભિગમનો વિસ્તાર કરવામાં આવશે અને અંતે લગભગ 2 મિલિયન લોકોને તેમાં આવરી લેવામાં આવશે.
કૂપરે જણાવ્યું હતું કે, એકવાર સંપૂર્ણપણે કાર્યરત થયા પછી, મુખ્ય કેર સેવાઓની કાર્યપદ્ધતિમાં આ મોટો ફેરફાર હોસ્પિટલો પરનું દબાણ હળવું કરવામાં મદદ કરશે અને કોરિડોર કેરમાં પણ સારવાર લેતા દર્દીઓની સંખ્યામાં ઘટાડો કરશે.
કૂપરે વધુમાં જણાવ્યું હતું કે, ઇંગ્લેન્ડમાં જીપીને આ શિયાળામાં 3 લાખ વલ્નરેબલ દર્દીઓને ઘરે વધુ સારી સંભાળ પૂરી પાડવા માટે 40 મિલિયન પાઉન્ડ મળશે જેથી તેમના હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ ઘટાડી શકાય.

