લંડન
ઇંગ્લેન્ડની 34 જેટલી હોસ્પિટલ ઇમારતોની છત ગમે ત્યારે ધરાશાયી થાય તેવો ભય સેવાઇ રહ્યો છે. હેલ્થ સેક્રેટરી મારિયા કૌલફિલ્ડે લિબરલ ડેમોક્રેટના આરોગ્ય પ્રવક્તા ડેઇઝી કૂપરે પૂછેલા સવાલનો સંસદમા લેખિત જવાબ આપતા જણાવ્યું હતું કે, ઇંગ્લેન્ડમાં 34 હોસ્પિટલોની છત ગમે ત્યારે તૂટી પડી શકે છે. એનએચએસ દ્વારા કરાયેલા સરવેમાં 16 હેલ્થ ટ્રસ્ટની 34 હોસ્પિટલોની છતમાં ચોક્કસ પ્રકારના કોન્ક્રિટનો ઉપયોગ કરાયો હતો જે યોગ્ય ગુણવત્તા ધરાવતો નથી. એનએચએસની વધુ હોસ્પિટલો પણ આ પ્રકારનો કોન્ક્રિટ ધરાવતી હોવાના કારણે તેમની સામે પણ આ જોખમ રહેલું છે. લિબરલ ડેમોક્રેટ નેતા એડ ડેવીએ જણાવ્યું હતું કે, ગમે ત્યારે છત ધરાશાયી થઇ જાય તેવી ઇમારતોમાં દર્દીઓની સારવાર ચાલી રહી છે તેવો વિચાર પણ કોઇને આવી શકે નહીં. કન્ઝર્વેટિવ સરકારે વર્ષોથી એનએચએસની કરેલી અવગણનાના કારણે વ્યવસ્થા ખસ્તાહાલ બની છે. દર્દીઓને સારવાર માટે મહિનાઓ સુધી રાહ જોવી પડે છે. હોસ્પિટલોની છતો જોખમી બની છે. લોકો કન્ઝર્વેટિવ પાર્ટીને ચૂંટી કાઢવાની કિંમત ચૂકવી રહ્યાં છે.
કૌલફિલ્ડે જણાવ્યું હતું કે, જોખમને તાત્કાલિક દૂર કરવા માટે સરકાર તાકિદે 110 મિલિયન પાઉન્ડની ફાળવણી કરશે. એનએચએસ ટ્રસ્ટોને મદદ કરવા વધુ 575 મિલિયન પાઉન્ડની ફાળવણી કરાશે. જોકે અસરગ્રસ્ત ટ્રસ્ટોનું કહેવું છે કે હોસ્પિટલોનું રિનોવેશન કરવાના બદલે નવી હોસ્પિટલો ઊભી કરવી વધુ સસ્તી પડશે. ડીએચએસસીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમે સમગ્ર દેશમાં આરોગ્ય માળખાને સુધારવા પગલાં લઇ રહ્યાં છીએ. ઇમારતોની જાળવણી અને રિનોવેશન સહિતની સ્થાનિક પ્રાથમિકતાઓને પહોંચી વળવા માટે અમે એનએચએસ ટ્રસ્ટોને 4 બિલિયન પાઉન્ડ કરતાં વધુની સહાય આપી ચૂક્યાં છીએ. હોસ્પિટલોની છતોની તાકિદની મરામત માટે અમે 685 મિલિયન પાઉન્ડની રકમ અલગથી ફાળવી છે. 2030 સુધીમાં અમે 40 વધુ નવી હોસ્પિટલો તૈયાર કરવાના છીએ.

