લંડનઃ ઇંગ્લેન્ડની 750 શાળામાં ફ્રી બ્રેકફાસ્ટ ક્લબનો પ્રારંભ કરાયો છે જે અંતર્ગત મંગળવારથી હજારો વાલીઓને 30 મિનિટ મોર્નિંગ ચાઇલ્ડ કેરની સુવિધા પ્રાપ્ત થશે. જો કે શિક્ષકોએ ચિંતા વ્યક્ત કરી છે કે આ યોજના માટેનું સરકારી ભંડોળ ઓછું પડશે.
એજ્યુકેશન સેક્રેટરી બ્રિજેટ ફિલિપસને જણાવ્યું હતું કે, આ યોજનાથી તકો આડે આવતા અવરોધો દૂર કરવામાં મદદ મળશે પરંતુ સ્કૂલ લીડર્સનું કહેવું છે કે આ યોજનાના કારણે બજેટ પર મોટો બોજો પડશે.
ઓટમ બજેટમાં ચાન્સેલર રેચલ રીવ્ઝે કરેલી જાહેરાત પ્રમાણે યોજનાની પ્રારંભિક ટ્રાયલ માટે 7 મિલિયન પાઉન્ડની ફાળવણી કરાઇ છે. 2025-26ના વર્ષમાં આ યોજના માટે કુલ 30 મિલિયન પાઉન્ડની ફાળવણી કરાઇ છે. લેબર પાર્ટીએ ચૂંટણી ઢંઢેરામાં વચન આપ્યું હતું કે તે આ યોજના માટે વર્ષ 2028-29 સુધીમાં 315 મિલિયન પાઉન્ડનો ખર્ચ કરશે.