લંડનઃ લંડનના 32 બરો સહિત ઇંગ્લેન્ડની 136 કાઉન્સિલની 5,000 જેટલી બેઠકો પર 7 મે 2026ના રોજ યોજાયેલી ચૂંટણીના પરિણામ ઘોષિત થઇ ચૂક્યાં છે. સ્થાનિક સ્તરે મતદારોએ કેન્દ્રમાં સત્તાધારી લેબર પાર્ટી અને મુખ્ય વિપક્ષ કન્ઝર્વેટિવ પાર્ટીને નકારી કાઢી રિફોર્મ યુકે, લિબરલ ડેમોક્રેટ અને ગ્રીન પાર્ટીના ઉમેદવારો પર પસંદગીનો કળશ ઢોળ્યો છે.
તાજેતરના વર્ષોમાં જ અસ્તિત્વમાં આવેલી નાઇજલ ફરાજની રિફોર્મ યુકે પાર્ટીએ 1431 કાઉન્સિલ બેઠકો પર કબજો જમાવી લેબર પાર્ટીના કિલ્લાને ધરાશાયી કરી દીધો છે. 1051 બેઠક પર વિજેતા બનેલી લેબર પાર્ટીને 1,193 બેઠક પર પરાજયનો સામનો કરવો પડ્યો છે. તેવી જ રીતે દેશના મુખ્ય વિપક્ષ એવી કન્ઝર્વેટિવ પાર્ટીએ 428 બેઠકના નુકસાન સાથે 785 બેઠક પર વિજય હાંસલ કર્યો છે.
બંને મુખ્ય રાજકીય પાર્ટીઓની સરખામણીમાં ગ્રીન પાર્ટીએ મજબૂત દેખાવ કરતાં 376 બેઠકની બઢત સાથે કુલ 568 બેઠક જીતી લીધી છે જ્યારે લિબરલ ડેમોક્રેટે અગાઉની ચૂંટણીમાં જીતેલી બેઠકોમાં 143નો વધારો નોંધાવી 832 બેઠક પર વિજય હાંસલ કર્યો છે. આ ચૂંટણીમાં અન્યોને પણ મોટું નુકસાન થયું છે. 243 બેઠકના ઘટાડા સાથે આ વખતે ફક્ત 279 અન્ય ઉમેદવાર જ વિજય હાંસલ કરી શક્યાં છે.
પાર્ટી – બેઠક પર વિજય – નુકસાન કે લાભ
લેબર પાર્ટી – 1051 બેઠક – 1193 બેઠકનું નુકસાન
કન્ઝર્વેટિવ પાર્ટી – 785 બેઠક – 428 બેઠકનું નુકસાન
રિફોર્મ યુકે – 1431 બેઠક – 1349 બેઠકનો લાભ
ગ્રીન પાર્ટી – 568 બેઠક – 376 બેઠકનો લાભ
લિબ ડેમ – 832 બેઠક – 143 બેઠકનો લાભ
અન્ય – 279 બેઠક – 243 બેઠકનું નુકસાન


