લંડન
ઇંગ્લેન્ડમાં નવા શિક્ષકોની મોટી અછત વર્તાઇ રહી છે, તેમાં પણ વંશીય લઘુમતી સમુદાયના શિક્ષકોની અછત આંખે ઊડીને વળગે છે. ઇંગ્લેન્ડની 46 ટકા શાળાઓમાં અશ્વેત કે વંશીય લઘુમતી સમુદાયનો એક પણ શિક્ષક નથી. શાળાઓમાં વંશીય લઘુમતી સમુદાયના શિક્ષકો સાથે થતો વ્યવહાર પણ ચિંતાજનક છે. તેમના માનસિક આરોગ્ય પર મોટું દબાણ સર્જાતું હોય છે. 2022ના ટીચર્સ વેલબિઇંગ ઇન્ડેક્સના જણાવ્યા અનુસાર 59 ટકા શિક્ષકો માનસિક આરોગ્યના કારણે નોકરી છોડી દેવા વિચારણા કરી રહ્યાં છે. વંશીય લઘુમતી સમુદાયના શિક્ષકો વધુ પડતો માનસિક તાણ અનુભવતા હોય છે.
યુકેની ચેરિટી એજ્યુકેશન સપોર્ટ દ્વારા જારી કરાયેલા રિપોર્ટ અનુસાર વંશીય લઘુમતી સમુદાયના શિક્ષકો તેમના શ્વેત સમકક્ષો કરતાં વધુ દબાણ અનુભવતાં હોય છે. તેમાં વંશીય ભેદભાવની ઘટનાઓ વધારો કરતી હોય છે. એક સરવે પ્રમાણે 31 ટકા અશ્વેત અને વંશીય લઘુમતી સમુદાયના શિક્ષકો સાથે ભેદભાવ રાખવામાં આવે છે. શાળાઓમાં શ્વેત શિક્ષકો જ હોવા જોઇએ તે પ્રકારનું વાતાવરણ સર્જી દેવામાં આવ્યું છે. અશ્વેત કે વંશીય લઘુમતી સમુદાયના શિક્ષકોને બહારના વ્યક્તિ તરીકે ગણવામાં આવે છે. તેમને ક્ષુલ્લક કામગીરી સોંપવામાં આવે છે. જો તેઓ કોઇ નિર્ણયનો વિરોધ કરે તો તેમને આક્રમક ગણી લેવામાં આવે છે.


