લંડનઃ એક નવા રિપોર્ટમાં માગ કરાઇ છે કે ઇંગ્લેન્ડે વિક્ટોરિયન યુગથી અમલી સ્કૂલ કેલેન્ડરના સ્થાને નવું કેલેન્ડર અમલી બનાવવું જોઇએ જેમાં ઊનાળાનું વેકેશન ટૂંકાવી દેવામાં આવે અને હાફ ટર્મ બ્રેકના દિવસો લંબાવવામાં આવે જેથી વિદ્યાર્થીઓ અને શિક્ષકોના જીવનોમાં સુધારો લાવી શકાય.
કોરોના મહામારી બાદની શિક્ષણ અસમાનતાઓ પરના રિપોર્ટમાં સ્કૂલ કેલેન્ડરમાં ધરમૂળથી બદલાવ કરવાની ભલામણ છે જે અંતર્ગત ઊનાળાનું વેકેશન 6 સપ્તાહથી ઘટાડીને 4 સપ્તાહનું કરવા અને શિયાળામાં હાફ ટર્મ બ્રેક એક સપ્તાહથી વધારીને બે સપ્તાહ કરવાની સલાહ અપાઇ છે.
એક્સટર યુનિવર્સિટીના પ્રોફેસર લી ઇલિયટ મેજરે રિપોર્ટમાં જણાવ્યું છે કે ઇંગ્લેન્ડમાં સ્કૂલ કેલેન્ડરમાં સુધારો અસરકારક રહેશે. તેના દ્વારા કોરોના મહામારી બાદ જોવા મળેલા શૈક્ષણિક વિભાજનો ઓછા ખર્ચે દૂર કરી શકાશે. શાળાઓની રજાઓ વર્ષ દરમિયાન એક સમાન કરવાથી શૈક્ષણિક હેતૂ સર કરી શકાશે. વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે પણ તે અનુકૂળ રહેશે.

