લંડનઃ એજ્યુકેશન સેક્રેટરી જિલિયન કીગને ઘોષણા કરી હતી કે વિદ્યાર્થીઓની વર્તણુંકમાં સુધારા માટે સમગ્ર ઇંગ્લેન્ડની શાળાઓમાં મોબાઇલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ મૂકાવો જોઇએ. એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ દ્વારા જારી કરાયેલા નવા માર્ગદર્શન અંતર્ગત હવે હેડ ટીચર્સ શાળામાં મોબાઇલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ મૂકી શકશે. હેડ ટીચર્સ બ્રેક ટાઇમ સહિતના આખા દિવસ માટે મોબાઇલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ લાદી શકશે જેથી વિદ્યાર્થીઓની વર્તણુંક સુધારી શકાય અને વર્ગ ચાલુ હોય ત્યારે ઓનલાઇન પ્રવૃતિઓ પર નિયંત્રણ લાવી શકાય. સરકાર વિદ્યાર્થીઓ અભ્યાસમાં વધુ ધ્યાન કેન્દ્રિત કરે તે માટે શાળાના સ્ટાન્ડર્ડ વધારવાના પ્રયાસ કરી રહી છે.
આ પ્રતિબંધને પગલે ઇંગ્લેન્ડ હવે ફ્રાન્સ, ઇટાલી અને પોર્ટુગલ જેવા શાળામાં મોબાઇલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ મૂકનારા દેશોમાં સામેલ થઇ ગયો છે. જો શાળાઓ દ્વારા આ નવા આદેશનો અમલ નહીં કરાય તો સરકાર પ્રતિબંધને ફરજિયાત બનાવવા માટે કાયદો ઘડવા પણ વિચારણા કરી રહી છે.
સ્કૂલ બિહેવિયર એડવાઇઝર ટોમ બેનેટે જણાવ્યું હતું કે, આ પગલું વિદ્યાર્થીઓને કામ કરતા, અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરતા કરશે. શાળાઓ મોબાઇલ ફોનના પ્રભાવથી મુક્ત બની શકશે. જે શાળાઓએ મોબાઇલ ફોન પર પહેલેથી પ્રતિબંધ મૂક્યો છે તેના વિદ્યાર્થીઓ વધુ સારી રીતે અભ્યાસ કરી રહ્યાં છે. શાળાઓને મોબાઇલ મુક્ત બનાવવાના પ્રયાસોમાં હવે એજયુકેશન ડિપાર્ટમેન્ટ પણ સ્કૂલ હેડની સાથે છે.


