ઇંગ્લેન્ડની શાળાઓમાં વિદ્યાર્થીઓના મોબાઇલ ફોન ઉપયોગ પર પ્રતિબંધ

સરકારે નવી ગાઇડલાઇન જારી કરી, શિક્ષકોને પણ વિદ્યાર્થીઓ સામે મોબાઇલ ફોનનો ઉપયોગ ન કરવા સલાહ

Tuesday 27th January 2026 09:27 EST
 
 

લંડનઃ ઇંગ્લેન્ડની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓના મોબાઇલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ લાદી દેવાયો છે. વિદ્યાર્થીઓ શાળાના સમય દરમિયાન હવે મોબાઇલ ફોનનો ઉપયોગ કરી શકશે નહીં. એજ્યુકેશન સેક્રેટરી બ્રિજિટ ફિલિપસને જણાવ્યું છે કે ઇંગ્લેન્ડની તમામ શાળાઓએ સરકારની નવી ગાઇડલાઇન અનુસરવી પડશે અને શાળામાં આખા દિવસ દરમિયાન વિદ્યાર્થી મોબાઇલ ફોનનો ઉપયોગ કરી શકશે નહીં.

શાળાઓને પાઠવેલા પત્રમાં ફિલિપસને જણાવ્યું હતું કે, શિક્ષણકાર્યમાં રિસર્ચ માટે અથવા તો મોબાઇલ ફોનનો કેલ્યુલેટર તરીકે ઉપયોગ યોગ્ય નથી. શાળાઓ નવી ગાઇડલાઇનને અનુસરે છે કે નહીં તેની ચકાસણી ઓફસ્ટેડ દ્વારા કરાશે. શિક્ષકોને પણ વિદ્યાર્થીઓની સામે મોબાઇલ ફોનનો ઉપયોગ નહીં કરવાની સલાહ આપવામાં આવી છે.

આ પહેલાં ફેબ્રુઆરી 2024માં તત્કાલિન કન્ઝર્વેટિવ સરકાર દ્વારા મોબાઇલ ફોનના ઉપયોગ અંગે શાળાઓને ગાઇડલાઇન અપાઇ હતી. ફિલિપસને જણાવ્યું હતું કે, આ ગાઇડલાઇન સ્પષ્ટ ન હોવાના કારણે તેના ધાર્યા પરિણામ હાંસલ કરી શકાયાં નથી. તેથી સરકારે હવે વધુ આકરી ગાઇડલાઇન જારીકરી છે.

બાળકોના સોશિયલ મીડિયા ઉપયોગ પર પ્રતિબંધને હાઉસ ઓફ લોર્ડ્સનું સમર્થન

ઓસ્ટ્રેલિયાની જેમ યુકેમાં પણ 16 વર્ષથી નાના બાળકોના સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધના પ્રસ્તાવને હાઉસ ઓફ લોર્ડ્સનું સમર્થન હાંસલ થયું છે. સરકાર દ્વારા રજૂ કરાયેલા સ્કૂલ બિલમાં સુધારા દ્વારા આ પ્રતિબંધ પર હાઉસ ઓફ લોર્ડ્સમાં 261 વિરુદ્ધ 150 મતથી મહોર મારવામાં આવી હતી. પરંતુ સરકાર એકતરફ સંભવિત પ્રતિબંધ પર  સલાહ સૂચનો માગી રહી છે તો બીજી તરફ એવો સંકેત આપી રહી છે કે તે હાઉસ ઓફ કોમન્સમાં આ સુધારાને ફગાવી દેવાનો પ્રયાસ કરશે. જોકે કોમન્સમાં સરકાર માટે આમ કરવું સરળ નથી કારણ કે ઘણા લેબર સાંસદો પણ આ પ્રતિબંધની તરફેણમાં છે. પ્રતિબંધ માટે કન્ઝર્વેટિવ પાર્ટીની માગને 60 લેબર સાંસદ દ્વારા સમર્થન જાહેર કરાયું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter