લંડન: સરકારે ઇંગ્લેન્ડની શાળાઓમાં સ્માર્ટફોનના ઉપયોગ પર કાયદેસર પ્રતિબંધ લાદવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. એજ્યુકેશન સેક્રેટરી બેરોનેસ જેકી સ્મિથે સોમવારે હાઉસ ઓફ લોર્ડ્સમાં આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, સરકાર આગામી સમયમાં શાળાઓ માટે એક સ્પષ્ટ કાયદેસરની જોગવાઈ અમલમાં લાવશે.
સરકાર તેના સીમાચિહ્નરૂપ ચિલ્ડ્રન્સ વેલબીઈંગ એન્ડ સ્કૂલ્સ બિલમાં સુધારો કરીને આ નવો નિયમ ઉમેરશે. એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર આ પગલાથી શાળાઓમાં હાલમાં જે પ્રેક્ટિસ ચાલી રહી છે તેને હવે કાયદાકીય પીઠબળ મળશે.
સરકાર હવે આ માર્ગદર્શિકાને વૈધાનિક દરજ્જો આપશે, જેનો અર્થ છે કે દરેક શાળાએ આ નિયમનું ચુસ્તપણે પાલન કરવું પડશે. અગાઉ એજ્યુકેશન સેક્રેટરી બ્રિજિટ ફિલિપસને શાળાઓને પત્ર લખીને આખા દિવસ દરમિયાન કેમ્પસને ફોન-ફ્રી રાખવા પ્રોત્સાહિત કર્યા હતા. સરકારનો દાવો છે કે તેમનો અભિગમ કન્ઝર્વેટિવ પાર્ટીના સંપૂર્ણ કાયદાકીય પ્રતિબંધ કરતા અલગ અને વધુ વ્યવહારુ છે.
આ કાયદો અમલમાં આવ્યા બાદ શાળાઓમાં શૈક્ષણિક વાતાવરણ વધુ સુધરશે અને બાળકોના ધ્યાન ભટકવાની સમસ્યામાં ઘટાડો થશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.


