લંડનઃ બ્રિટનમાંથી પ્રત્યર્પણનો સામનો કરી રહેલા ભાગેડૂ આર્થિક અપરાધી નીરવ મોદી અને બેન્ક ઓફ ઇન્ડિયા વચ્ચેના લોન ચૂકવણી કેસમાં ભારતની દિલ્હી હાઇકોર્ટ પહેલીવાર સાક્ષીના પુરાવાની નોંધ કરશે. ઇંગ્લેન્ડ અને વેલ્સની સુપ્રીમ કોર્ટની કિંગ્સ બેન્ચ ડિવિઝનની વિનંતી પર દિલ્હી હાઇકોર્ટમાં નીરવ મોદી વિરુદ્ધ સાક્ષીની જુબાની લેવાશે.
કિંગ્સ બેન્કની વિનંતી પ્રાપ્ત થયા બાદ દિલ્હી હાઇકોર્ટના જસ્ટિસ સી હરી શંકરે મેટરને લિસ્ટ કરી હતી અને જણાવ્યું હતું કે, ભારતમાં બેન્ક ઓફ ઇન્ડિયામાં કામ કરતા કર્મચારી અનિમેશ બરૂઆની જુબાની લેવાની જરૂર છે. બેન્ક ઓફ ઇન્ડિયા, ફાયરસ્ટાર ડાયમંડ, ફાયરસ્ટાર ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ અને નીરવ મોદીના આ કેસમાં જસ્ટિસ શંકરે કોર્ટને આ મામલામાં મદદ કરવા એએસજી ચેતન શર્માને મદદ કરવા નિર્દેશ આપ્યો છે.
આ માટે દિલ્હી હાઇકોર્ટે યુકે સ્થિત ભારતીય કોન્સ્યુલેટ જનરલના માધ્યમથી નીરવ મોદીને નોટિસ પાઠવી છે.


