ઇંગ્લેન્ડનો 75 ટકા હિસ્સો દુકાળના સકંજામાં, વધુ હીટવેવની ચેતવણી

લિન્કનશાયર, નોર્થમ્પટનશાયર, ઇસ્ટ મિડલેન્ડ્સ, કેન્ટ, ઇસ્ટ સસેક્સ, સોલેન્ટ અને સાઉથ ડાઉન્સમાં પણ દુકાળની સત્તાવાર જાહેરાત

Tuesday 11th August 2026 10:54 EDT
 
 

લંડનઃ ઓછા વરસાદ અને ઊંચા તાપમાનના પરિણામે ઇંગ્લેન્ડનો 71.3 ટકા હિસ્સો હવે દુકાળની સ્થિતિનો સામનો કરી રહ્યો છે. પર્યાવરણ એજન્સીના જણાવ્યા અનુસાર ઓગસ્ટની શુષ્ક શરૂઆત દેશના ઇતિહાસમાં સૌથી સૂકા જુલાઈ મહિના પછી આવી છે. ઇસ્ટ મિડલેન્ડ્સ, લિંકનશાયર, નોર્થમ્પ્ટનશાયર, કેન્ટ, ઇસ્ટ સસેક્સ, સોલેન્ટ અને સાઉથ ડાઉન્સ એવા નવા વિસ્તારો છે જે હવે અધિકૃત રીતે દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરાયા છે.

અધિકારીઓએ ચેતવણી આપી છે કે દેશના તમામ વિસ્તારોમાં જળ સંસાધનો પર ભારે દબાણ છે, જેની સીધી અસર કૃષિ, જાહેર પાણી પુરવઠા અને પર્યાવરણ પર પડી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચાલુ સપ્તાહના અંત સુધીમાં તાપમાન 36 સેલ્સિયસ સુધી પહોંચવાની શક્યતા છે, જે આ ઉનાળાનો પાંચમો હીટવેવ હશે. ગુરુવારનો દિવસ સપ્તાહનો સૌથી ગરમ દિવસ રહેવાનો અંદાજ છે.

વધતા તાપમાન અને જળ સંકટને કારણે યુકે હેલ્થ સિક્યુરિટી એજન્સી દ્વારા વિવિધ વિસ્તારો માટે યલો હેલ્થ અલર્ટ જારી કરવામાં આવ્યા છે, જ્યારે વોટર કંપનીઓ દ્વારા લાખો નાગરિકો પર પાણીના ઉપયોગ અંગેના નિયંત્રણો લાદવામાં આવ્યા છે.

ક્લાઇમેટ ચેન્જના કારણે લંડનના ઐતિહાસિક હરિયાળા વિસ્તારો સૂકાભઠ્ઠ

ક્લાઇમેટ ચેન્જ અને વિષમ હવામાનના કારણે લંડનના હરિયાળા વિસ્તારો ગંભીર સંકટનો સામનો કરી રહ્યાં છે. રેકોર્ડ સૂકા જુલાઇ મહિના અને સતત હીટવેવના કારણે ધ રોયલ પાર્ક્સ, ક્યૂ ગાર્ડન્સ અને ચિઝવિક એન્ડ ગાર્ડન્સ સહિતના અગ્રણી પર્યટન સ્થળો પર ભારે અસર પડી છે. લંડનના આ પાર્ક્સમાં 32,000 કર્મચારીઓ કામ કરે છે અને ટુરિસ્ટોના કારણે વાર્ષિક 2.9 બિલિયન પાઉન્ડની આવક થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter