લંડનઃ એનએચએસ આગામી 10 વર્ષીય યોજનામાં ઇંગ્લેન્ડમાં જન્મ લેનાર તમામ બાળકનું ડીએનએ મેપિંગ કરશે. આ પ્રકારે મેપિંગ કરવાથી બાળકને ભવિષ્યમાં સેંકડો પ્રકારના રોગોનું કેવું જોખમ રહેશે તે નક્કી કરી શકાશે.
આ યોજના અંતર્ગત સરકાર બીમારીનું અનુમાન કરવા અને અટકાવવાના પ્રયાસો કરશે. 2030 સુધીમાં ડીએનએ રિસર્ચ માટે સરકાર દ્વારા 650 મિલિયન પાઉન્ડનો ખર્ચ કરાશે. હેલ્થ સેક્રેટરી વેસ સ્ટ્રીટિંગે જણાવ્યું હતું કે, જિન ટેકનોલોજીની મદદથી એનએચએસ બીમારી ઉથલો મારે તે પહેલાં જ અટકાવવાના પગલાં લઇ શકશે. તેના કારણે એનએચએસ પરનું ભારણ પણ ઓછું કરી શકાશે.
હેલ્થ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે, બીમારીઓ અટકાવવા માટે જિનોમિક્સ અને એઆઇની મદદ લેવાશે. તેનાથી રોગનું ઝડપી નિદાન થશે અને પ્રાથમિક તબક્કામાં જ તેના સંકેત પણ મળઈ જશે. નવજાત શિશુના જન્મ સાથે ગર્ભનાળમાંથી જ સેમ્પલ લઇને ડીએનએ મેપિંગ કરાશે.