લંડનઃ ઇંગ્લેન્ડમાં તમામ ઘરોમાંથી દર અઠવાડિયે ફૂડ વેસ્ટ એકત્રિત કરવાની નવા ફરજિયાત નિયમો અમલમાં આવી ગયાં છે પરંતુ હજુ પણ અનેક સ્થાનિક કાઉન્સિલો આ સેવા પૂરી પાડવા માટે તૈયાર નથી. ઇંગ્લેન્ડની 79 કાઉન્સિલો અથવા અંદાજે દરેક ચારમાંથી એક કાઉન્સિલ 31 માર્ચની સમયમર્યાદા સુધીમાં આ નિયમોનું પાલન કરવાની સ્થિતિમાં નહોતી.
કાઉન્સિલોએ વિલંબ માટે નવા વિશેષ વાહનોની વધતી માંગ અને નાણાંકીય સમસ્યાઓને જવાબદાર ઠેરવ્યા છે, જ્યારે એન્વાયરમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા તેમને 340 મિલિયન પાઉન્ડથી વધુની ગ્રાન્ટ આપવામાં આવી છે.
ડિપાર્ટમેન્ટની સિમ્પ્લર રિસાયક્લિંગ માર્ગદર્શિકા મુજબ 31 માર્ચથી કચરો એકત્રિત કરતી સંસ્થાઓએ નીચે મુજબના કચરાનો અલગથી સંગ્રહ કરવો ફરજિયાત છે:
- ખાદ્ય અને બગીચાનો કચરો
- કાગળ અને કાર્ડ (સ્થાન મુજબ તેમને અન્ય સૂકા રિસાયક્લેબલ સાથે પણ એકત્રિત કરી શકાય છે)
- અન્ય તમામ સૂકી રિસાયક્લેબલ સામગ્રી (કાચ, ધાતુ અને પ્લાસ્ટિક, કાર્ટન સહિત)
- અવશેષ કચરો—જેનું રિસાયક્લિંગ શક્ય નથી અને જેને લેન્ડફિલ અથવા ઊર્જા પુનઃપ્રાપ્તિ માટે મોકલવામાં આવે છે


