લંડનઃ ઇંગ્લેન્ડમાં આગામી બે વર્ષમાં નિર્માણ થનારા તમામ નવા મકાન પર સોલર પેનલ ફરજિયાત બનશે. સરકાર દ્વારા ટૂંકસમયમાં તેની જાહેરાત થશે. યોજના અંતર્ગત હાઉસ બિલ્ડરે 2027 સુધીમાં તમામ નવી પ્રોપર્ટીની છત પર ફરજિયાત સોલર પેનલ લગાવવાની રહેશે.
સરકારની આ યોજનાના કારણે ઇંગ્લેન્ડમાં મકાન માલિકોને 3000થી 4000 પાઉન્ડનો વધારાનો ખર્ચ થશે પરંતુ તેઓ તેમના વાર્ષિક એનર્જી બિલમાં 1000 પાઉન્ડ કરતાં વધુની બચત કરી શકશે.
લેબર સરકાર હાલની સંસદના અંત પહેલાં 1.5 મિલિયન પ્રોપર્ટી પર સોલર પેનલ લગાવવાનો લક્ષ્યાંક ધરાવે છે. તેના દ્વારા દરેક પરિવારના વર્ષે 300 પાઉન્ડ બચાવી શકાશે.
જૂની પ્રોપર્ટીઓમાં સોલર પેનલ લગાવવા માટે સરકાર દ્વારા લોન અને ગ્રાન્ટ આપવાની પણ તૈયારી ચાલી રહી છે. કેમ્પેનર્સ દ્વારા સરકારની આ યોજનાને આવકાર મળી રહ્યો છે. ગ્રીન પીસના લિલી રોસ એલિસ કહે છે કે ઘણા લાંબા સમયથી આપણે આપણી છત પર પડતી મફતની ઉર્જાનો વેડફાટ કરી રહ્યાં છીએ. આ યોજના દ્વારા દર વર્ષે પરિવારો હજારો પાઉન્ડની બચત કરી શકશે.