લંડનઃ ઇંગ્લેન્ડમાં ફ્લૂના કેસમાં રેકોર્ડ ઉછાળો નોંધાયો છે. રેકોર્ડ સંખ્યામાં ફ્લૂના દર્દીઓ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયાં છે. એનએચએસના આગેવાનોએ ચેતવણી આપી છે કે આ વર્ષે દેશ અસામાન્ય ફ્લૂના રોગચાળાનો સામનો કરી રહ્યો છે.
એનએચએસના આંકડા અનુસાર ગયા સપ્તાહમાં સરેરાશ 1700 ફ્લૂના દર્દીઓને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા જે ગયા વર્ષના આ સમયગાળા કરતાં બમણા છે. આ સપ્તાહથી હોસ્પિટલ પહોંચી રહેલા ફ્લૂના દર્દીઓની સંખ્યામાં તીવ્ર વધારો જોવા મળી રહ્યો છે.
નિષ્ણાતોનું માનવું છે કે આ વર્ષે વધુ ગંભીર પ્રકારનો વાઇરસ પ્રસરી રહ્યો છે. ફ્લૂની સીઝન પણ સામાન્ય કરતાં એક મહિનો વહેલી શરૂ થઇ ગઇ છે. ઇંગ્લેન્ડના ચીફ મેડિકલ ઓફિસર સર ક્રિસ વ્હિટ્ટીએ ચેતવણી ઉચ્ચારી છે કે જીવનો બચાવવા માટે એનએચએસે ન્યૂમોનિયા અને ફ્લૂના દર્દીઓની ગંભીરતાથી સારવાર કરવી પડશે.
હોસ્પિટલો હેડકી, કાકડા અને બંધ નાકના દર્દીઓથી ઉભરાઇ
એનએચએસના એ એન્ડ ઇ વિભાગો હેડકી, કાકડા ફુલવા અને બંધ નાકની ફરિયાદ કરી રહેલા દર્દીઓથી ઉભરાઇ રહ્યાં છે. એનએચએસનું કહેવું છે કે ગયા શિયાળામાં એ એન્ડ ઇ વિભાગો દ્વારા આ પ્રકારના બે લાખ કરતાં વધુ કેસમાં સારવાર અપાઇ હતી. આ દર્દીઓને અન્યત્ર સારવાર આપી શકાઇ હોત. આ દર્દીઓ પૈકીના એક લાખ ગળામાં ખારાશની સમસ્યા ધરાવતા હતા.


