ઇંગ્લેન્ડમાં બગાઇ દ્વારા ફેલાતો ટિકવાઇરસ મળી આવતાં હેલ્થ એજન્સીની ચેતવણી

યોર્કશાયરમાં પહેલો કેસ મળી આવ્યો, ઇંગ્લેન્ડ અને સ્કોટલેન્ડમાં હાઇએલર્ટ

Tuesday 11th April 2023 13:59 EDT
 
 

લંડન

માનવ શરીરમાં મેનિન્જાઇટિસ જેવા ગંભીર લક્ષણો પેદા કરી શકે તેવો ટિક વાઇરસ (બગાઇ દ્વારા ફેલાતો વાઇરસ) ઇંગ્લેન્ડના કેટલાક વિસ્તારોમાં મળી આવ્યો હોવાનું યુકે હેલ્થ સિક્યુરિટી એજન્સીએ જણાવ્યું છે. ટિક વાઇરસના ફેલાવાને અટકાવવા માટે એજન્સીએ હોસ્પિટલોમાં ટેસ્ટિંગ વધારવા અને તેમાં સુધારા કરવાની સલાહ આપી છે. હેલ્થ એજન્સીએ આપેલી ચેતવણી બાદ ઇંગ્લેન્ડ અને સ્કોટલેન્ડમાં વાઇરસથી સંક્રમિત થનારા લોકો પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. યોર્કશાયરમાં એક કેસ મળી આવ્યા બાદ લક્ષણો નહીં ધરાવતા લોકોના લોહીના નમૂના લઇને તેમાં વાઇરસની હાજરી ચકાસવામાં આવી રહી છે.

2019થી અત્યાર સુધીમાં ઇંગ્લેન્ડમાં ટિક વાઇરસના 3 કેસ મળી આવ્યા હતા. ગયા વર્ષે ઇંગ્લેન્ડમાં ટિક વાઇરસનો પહેલો કન્ફર્મ કેસ નોંધાયો હતો. હેમ્પશાયર, ડોરસેટ અને નોરફ્લોક વિસ્તારોમાં પણ આ વાઇરસની હાજરી જોવા મળી હતી.

હેલ્થ એજન્સીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ટિક સિઝન આવી રહી હોવાથી વાઇરસ અંગેની તમામ માહિતી જારી કરી દેવામાં આવી છે. અમારા રિપોર્ટ પ્રમાણે ટિક બોર્ન એન્સેફેલિટિસ વાઇરસ ઇંગ્લેન્ડમાં સામાન્ય રીતે જોવા મળતો નથી. બગાઇઓ લાઇમ ડિસીઝ સહિતના અન્ય ઇન્ફેક્શન પણ ફેલાવે છે તેથી બહાર જાવ ત્યારે બગાઇઓથી સાવધ રહેવા ચેતવણી જારી કરાઇ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter