લંડનઃ ઇંગ્લેન્ડમાં મકાનોના મોંઘાદાટ ભાડાં સમસ્યા બની રહ્યાં છે. સત્તાવાર આંકડા અનુસાર ભાડૂઆતો તેમની આવકના 36.3 ટકા રકમ મકાન ભાડા પેટે ચૂકવે છે. લંડનમાં આ આંકડો 41.6 ટકા પર પહોંચ્યો છે. ઓફિસ ફોર સ્ટેટિસ્ટિક્સના જણાવ્યા અનુસાર 2023માં ભાડૂઆતોને તેમના વેતનની સરેરાશ 34.2 ટકા રકમ મકાન ભાડા પેટે ચૂકવવી પડતી હતી જે 2024માં વધીને 36.3 ટકા પર પહોંચી ગઇ હતી. લંડનના મકાન ભાડાએ માઝા મૂકી દીધી છે. લંડનમાં ઓછામાં ઓછું મકાન ભાડું 1957 પાઉન્ડ પ્રતિ માસ પર પહોંચી ગયું છે.
સૌથી ઊંચા મકાન ભાડા ધરાવતી તમામ કાઉન્સિલ પણ લંડનમાં આવેલી છે. કેન્સિંગ્ટન એન્ડ ચેલ્સિયામાં તો વેતનના 74.3 ટકા મકાન ભાડા પેટે જ ખર્ચાઇ જાય છે. વેસ્ટ મિનસ્ટરમાં આ ગુણોત્તર 55.8 ટકા, વેન્ડ્સવર્થમાં 54 ટકા, કેમડેનમાં 51.7 ટકા, હેમરસ્મિથ એન્ડ ફુલહામમાં 51.3 ટકા, હેરિંગેમાં 48.3 ટકા, લામ્બેથમાં 47.1 ટકા, મર્ટોનમાં 46.8 ટકા, ઇસલિંગટનમાં 45.5 ટકા અને રિચમન્ડમાં 45.3 ટકા પર પહોંચ્યો છે.
ઓએનએસ માને છે કે વેતનના 30 ટકા રકમ મકાન ભાડા માટે વ્યાજબી છે પરંતુ લંડનની તમામ 32 કાઉન્સિલ વિસ્તારોમાં મકાન ભાડાં આ રકમથી ઘણા ઊંચા છે. લંડન સિવાયના અન્ય શહેરોમાં પણ સ્થિતિ સામાન્ય નથી. બ્રિસ્ટોલમાં વેતનના 44.6 ટકા, બાથ એન્ડ નોર્થ ઇસ્ટ સમરસેટમાં 42.7 ટકા, બ્રાઇટનમાં 42.7 ટકા, ટ્રેફોર્ડમાં 41.7 ટકા, સેવનઓક્સમાં 42 ટકા, વાટફોર્ડમાં 41 ટકા રકમ ચૂકવવી પડે છે.
આંકડા દર્શાવે છે કે 2024માં ઇંગ્લેન્ડમાં વેતન કરતાં મકાન ભાડામાં ઝડપી વધારો થયો છે. જોકે નોર્થ ઇસ્ટ ઇંગ્લેન્ડના વિસ્તારોમાં મકાન ભાડાં સૌથી વ્યાજબી છે. જ્યાં ભાડૂઆતને તેના વેતનના 19.8 ટકા અથવા તો 641 પાઉન્ડ પ્રતિ માસ ચૂકવવા પડે છે.
5,00,000 પાઉન્ડથી વધુની સંપત્તિ પર સ્ટેમ્પ ડ્યુટી હટાવીને વાર્ષિક પ્રોપર્ટી ટેક્સની વિચારણા
5,00,000 પાઉન્ડ કરતાં વધુની સંપત્તિઓ પર સ્ટેમ્પ ડ્યુટી હટાવીને વાર્ષિક પ્રોપર્ટી ટેક્સ અમલી બનાવવાની સરકાર વિચારણા કરી રહી છે. આગામી ઓટમ બજેટમાં આ નિર્ણય લેવાય તેવી સંભાવના છે. હાલમાં 1,25,000થી 2,50,000 પાઉન્ડની પ્રોપર્ટી પર 2 ટકા અને 1.5 મિલિયન પાઉન્ડથી વધુની પ્રોપર્ટી પર 12 ટકા સ્ટેમ્પ ડ્યુટી લાગે છે. સરકારની કવાયત અંતર્ગત 5 લાખ પાઉન્ડ કે તેથી વધુની મૂલ્યની સંપત્તિની ખરીદી પર વાર્ષિક પ્રોપર્ટી ટેક્સ ચૂકવવો પડશે.


