લંડન
ઇંગ્લેન્ડમાં સિંગલ યૂઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ લાદવાની વિચારણા ચાલી રહી છે. યુકે સરકાર ચર્ચા વિચારણા બાદ ઇંગ્લેન્ડમાં કટલરી, પ્લેટ્સ, પોલિસ્ટિરિન કપ સહિતની સિંગલ યૂઝ પ્લાસ્ટિક આઇટમ્સ પર પ્રતિબંધ લાદે તેવી સંભાવના છે. પર્યાવરણ સેક્રેટરી થેરેસે કોફી સિંગલ યૂઝ પ્લાસ્ટિકની આઇટમો પર પ્રતિબંધ લાદી બાયોડિગ્રેડેબલ વિકલ્પો અપનાવવાની યોજના પર વિચારણા કરી રહ્યાં છે. સ્કોટલેન્ડ અને વેલ્શની સરકારો આ પ્રકારના પગલાં પહેલાં જ લઇ ચૂકી છે.
પ્લાસ્ટિકનું પ્રદૂષણ ઘટાડવા માટે સિંગલ યૂઝ પ્લાસ્ટિક પ્લેટ, કટલરી, બલૂન સ્ટીક્સ અને પોલિસ્ટિરિન કપને તબક્કાવાર રીતે વપરાશમાંથી દૂર કરાશે. આ માટે નવેમ્બર2021થી ફેબ્રુઆરી 2022 વચ્ચે જાહેરજનતા સાથે ચર્ચા વિચારણા કરાઇ હતી પરંતુ વેસ્ટમિન્સ્ટરમાં વ્યાપેલી અંધાધૂંધીને કારણે આ નિર્ણયના અમલમાં વિલંબ થયો હતો. હવે પર્યાવરણ સેક્રેટરી થેરેસે કોફી પ્રતિબંધને મંજૂરી આપવાની તૈયારી કરી રહ્યાં છે.
2020માં યુકે સરકારે ઇંગ્લેન્ડમાં સિંગલ યૂઝ પ્લાસ્ટિક સ્ટ્રો, સ્ટિરર્સ, કોટન બડ્સ પર પ્રતિબંધ લાદ્યો હતો.


