ઇંગ્લેન્ડમાં હજારો સગર્ભા મહિલાઓ ઘરેલુ હિંસાનો ભોગ

દર વર્ષે ઘરેલુ હિંસા અને શોષણના 20,000 કિસ્સા સામે આવે છે

Tuesday 22nd September 2026 10:43 EDT
 
 

લંડનઃ ઇંગ્લેન્ડમાં દર વર્ષે મેટરનિટી  સેવાઓ સમક્ષ ઘરેલુ હિંસા અને શોષણના આશરે 20,000 કિસ્સા પ્રકાશમાં આવે છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આ આંકડો વાસ્તવિક પરિસ્થિતિ કરતાં ઓછો હોઈ શકે છે. પરંતુ આ આંકડાઓ એ વાત પર પ્રકાશ પાડે છે કે શોષણ અને હિંસાના કિસ્સા ઓળખવામાં મિડવાઇવ્સ કેટલી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

ઇંગ્લેન્ડની નેશનલ હેલ્થ સર્વિસ ટ્રસ્ટ્સ સમક્ષ આવતા કેસોમાંથી આશરે 3.3 ટકા કિસ્સાઓમાં મહિલાઓએ વર્તમાન અથવા ભૂતકાળમાં થયેલા ઘરેલુ શોષણનો ખુલાસો કર્યો છે. રાષ્ટ્રીય સ્તરે એનએચએસ મેટરનિટી બુકિંગના આ ગુણોત્તરને લાગુ કરવામાં આવે તો ઇંગ્લેન્ડમાં દર વર્ષે આશરે 20,000 જેટલા ઘરેલુ હિંસાના કિસ્સા મેટરનિટી સેવાઓ સમક્ષ સામે આવે છે.

રોયલ કોલેજ ઓફ મિડવાઇવ્સના ચીફ એક્ઝિક્યુટિવ ગિલ વોલ્ટને જણાવ્યું હતું કે, આ તારણો એવી સ્થિતિ છતી કરે છે, જેનો મિડવાઇવ્સ તેમની રોજિંદી કામગીરીમાં પહેલેથી જ સામનો કરી રહી છે. સગર્ભા મહિલાઓ જે પ્રોફેશનલને નિયમિતપણે અને એકાંતમાં મળે છે, તેમાં મિડવાઇફ મુખ્ય હોય છે. આથી તેઓ ઘરેલુ હિંસાના લક્ષણો ઓળખવામાં અને સહાનુભૂતિપૂર્વક મદદ કરવા માટે સૌથી યોગ્ય સ્થાને છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter