લંડન
ઇંગ્લેન્ડના 50 ટકા જેટલાં પરાવિસ્તારોમાં હવે 10 ટકા કરતાં ઓછાં વૃક્ષ રહ્યાં છે. અમીરોના પોશ વિસ્તારોની સરખામણીમાં ઓછી આવક ધરાવતા લોકોના વિસ્તારોમાં હવે ગણ્યાં ગાંઠ્યા વૃક્ષ જોવા મળી રહ્યાં છે. ફ્રેન્ડ્સ ઓફ અર્થ દ્વારા કરાયેલા સંશોધન અનુસાર ઇંગ્લેન્ડમાં ફક્ત 12.8 ટકા વૃક્ષ રહ્યાં છે અને તેમાં પણ જંગલો તો ફક્ત 10 ટકા જ રહી ગયાં છે. યુરોપિયન સંઘની સરખામણીમાં ઇંગ્લેન્ડની વનરાજી નહીંવત છે. યુરોપિયન સંઘના દેશોમાં 38 ટકા વનરાજી જોવા મળે છે.
સરકાર 2050 સુધીમાં વૃક્ષોનું આચ્છાદન વધારીને 16.5 ટકા કરવાનો લક્ષ્યાંક ધરાવે છે પરંતુ પર્યાવરણવાદીઓ તેને પુરતું ગણાવી રહ્યાં નથી. તેમણે વૃક્ષોની સંખ્યા બમણી કરવાનું આહવાન કર્યું છે. સંસ્થા દ્વારા પહેલીવાર ઇંગ્લેન્ડની શેરીઓમાં આવેલા વૃક્ષોની ગણતરી લેસર ઇમેજિંગ દ્વારા કરાઇ છે. સંસ્થાના જણાવ્યા અનુસાર ઇંગ્લેન્ડના 43 ટકા પરાવિસ્તારોમાં 10 ટકા કરતાં પણ ઓછું વૃક્ષોનું આચ્છાદન જોવા મળી રહ્યું છે. 84 ટકા પરાવિસ્તારોમાં 20 ટકા કરતાં પણ ઓછું વૃક્ષોનું આચ્છાદન રહી ગયું છે.
લિંકનશાયરના સાઉથ હોલેન્ડમાં માંડ 2.2 ટકા વૃક્ષ બાકી રહ્યાં છે જ્યારે સરેના સરે હીથમાં સૌથી વધુ 36.1 ટકા વૃક્ષનું આચ્છાદન જોવા મળે છે.
સંસ્થાના વડા માઇક ચાઇલ્ડ્સ કહે છે કે સરકારે 2050 સુધીમાં વૃક્ષ આચ્છાદિત વિસ્તાર બમણો કરવાનું લક્ષ્યાંક રાખવું જોઇએ જેથી લોકોને માનસિક અને શારીરિક લાભ મળી શકે. સરકારે નવા વૃક્ષો વાવવાને પ્રાથમિકતા આપવી જોઇએ. સરકાર દ્વારા વૃક્ષારોપણના લક્ષ્યાંક યુરોપિયન સંઘ કરતાં ઘણાં નીચાં છે. બ્રિટનને આજે બ્રાઝિલ, ચીન અને રશિયા જેવા દેશો પાસેથી લાકડાંની આયાત કરવી પડે છે.


