ઇંડા ખાવા જોખમી બન્યાં, સાલ્મોનેલાના કારણે એકનું મોત, 200થી વધુ બીમાર

વિદેશથી આયાત કરાયેલા ઇંડામાં રહેલા બેક્ટેરિયાનો ઉપદ્રવ ગંભીર બન્યો

Tuesday 25th August 2026 10:44 EDT
 
 

લંડનઃ યુકેમાં વિદેશથી આયાત કરાયેલા ઇંડાના કારણે થયેલા સાલ્મોનેલા બેક્ટેરિયાના ઉપદ્રવને કારણે એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અને 200થી વધુ લોકો બીમાર પડ્યા છે. યુકે હેલ્થ સિક્યુરિટી એજન્સી અનુસાર, ગયા વર્ષના 11 ઓગસ્ટથી આ વર્ષના 1 ઓગસ્ટ દરમિયાન સાલ્મોનેલાના કુલ 207 કેસ નોંધાયા છે, જેમાં એકલા ઇંગ્લેન્ડમાં જ 199 કેસ સામે આવ્યા છે.

ચેપગ્રસ્ત દર્દીઓમાંથી 38 ટકા દર્દીઓને હોસ્પિટલમાં ભરતી કરવા પડ્યા છે, જ્યારે બે લોકોમાં ગંભીર બ્લડસ્ટ્રીમ ઇન્ફેક્શન જોવા મળ્યું છે. રોગચાળાની અસર શિશુઓથી લઈને 90 વર્ષ સુધીના વયસ્કોમાં જોવા મળી છે. ઇંગ્લેન્ડમાં સૌથી વધુ 47 કેસ લંડનમાં અને 38 કેસ યોર્કશાયર એન્ડ ધ હમ્બરમાં તેમજ સ્કોટલેન્ડમાં 6, વેલ્સમાં 1 અને નોર્ધન આયર્લેન્ડમાં 1 કેસ નોંધાયા છે.

સાલ્મોનેલા એ એક પ્રકારનું બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે, જેના લક્ષણોમાં ઝાડા, ઉલટી, પેટમાં દુખાવો અને તાવનો સમાવેશ થાય છે. નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો માટે આ ચેપ ગંભીર રૂપ ધારણ કરી શકે છે. તબીબી નિષ્ણાતોએ ખોરાક રાંધતા પહેલા અને શૌચાલયના ઉપયોગ પછી હાથ બરાબર ધોવા તેમજ ખોરાકને યોગ્ય રીતે રાંધીને ખાવાની સલાહ આપી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter