લંડનઃ ઇઝીજેટની લંડનના લ્યુટનથી ગ્લાસગો જઇ રહેલી ફ્લાઇટમાં ભય સર્જવાના આરોપસર અભય નાયકની ધરપકડ કરાઇ હતી. અભય નાયકે ફ્લાઇટમાં બોમ્બ મૂક્યો હોવાની ધમકી આપી રાજકીય નારાબાજી કરતાં ફ્લાઇટનું ઇમર્જન્સી લેન્ડિંગ કરાવવાની ફરજ પડી હતી. નજરે જોનારાઓના જણાવ્યા અનુસાર ફ્લાઇટના ટોઇલેટમાંથી બહાર આવ્યા બાદ નાયકે અલ્લાહુ અકબરના નારા લગાવીને ધમકી આપી હતી કે તેની પાસે બોમ્બ છે.
નાયકે નારા લગાવ્યા હતા કે હું સ્કોટલેન્ડની મુલાકાતે આવેલા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને સંદેશો આપવા માગુ છું. તેણે ડેથ ટુ અમેરિકા અને ડેથ ટુ ટ્રમ્પના નારા પણ લગાવ્યા હતા. ફ્લાઇટ એટેન્ડ્ન્ટ્સ દ્વારા નાયકને કાબુમાં લેવાયા બાદ તેની ધરપકડ કરાઇ હતી. તે લ્યુટનનો રહેવાસી છે. એવો પણ દાવો કરાયો છે કે નાયકે પોતે રેફ્યુજી સ્ટેટસ ધરાવતો ભારતીય નાગરિક હોવાના દસ્તાવેજો બતાવ્યા હતા.
નાયક પર વિમાનની સુરક્ષા ભયમાં મૂકવા અને યુકેના એર નેવિગેશન નિયમોના ઉલ્લંઘનના આરોપ મૂકાયા છે. તેણે કયા ઇરાદાથી આ કૃત્ય કર્યું તે જણાવવાનો સત્તાવાળાઓએ ઇનકાર કરી દીધો હતો.