ઇતિહાસકાર ડેવિડ સ્ટારકીની સુનાક અંગે વંશીય ટિપ્પણીથી ભારે રોષ

સ્ટારકીની ટિપ્પણી આધુનિક બ્રિટનનું પ્રતિબિંબ નથી – શૈલેષ વારા, ડેવિડ સ્ટારકી આધુનિક બ્રિટનને સમજી શક્યાં નથી – નયાઝ કાઝી

Tuesday 09th May 2023 13:24 EDT
 
 

લંડન

વિવાદાસ્પદ બ્રિટિશ ઇતિહાસકાર ડેવિડ સ્ટારકી દ્વારા વડાપ્રધાન રિશી સુનાક અંગે કરાયેલી વંશીય ભેદભાવથી ગ્રસિત ટિપ્પણીએ મોટો વિવાદ સર્જ્યો હતો. જેના પગલે ભારતીય સમુદાયના બ્રિટિશરોમાં ડેવિડ સ્ટારકી સામે ઉગ્ર રોષ ફાટી નીકળ્યો હતો. એક ટેલિવિઝન ઇન્ટર્વ્યુમાં ડેવિડ સ્ટારકીએ જણાવ્યું હતું કે, બ્રિટનના સૌપ્રથમ બિનગોરા વડાપ્રધાન હજુ સંપુર્ણપણે આપણી સંસ્કૃતિમાં સમાઇ ગયાં નથી. તેના કારણે તેઓ તાજપોશીની યોજનાઓમાં ક્યાંય દેખાતા નથી. જીબી ન્યૂઝને આપેલી મુલાકાતમાં સ્ટારકીએ જણાવ્યું હતું કે, રિશી સુનક અદ્દભૂત ટેલેન્ટ અને અસામાન્ય કુશળતા ધરાવે છે પરંતુ હજુ આપણી સંસ્કૃતિમાં સંપુર્ણપણે સમાયા નથી. હું જાણું છું કે હું વિવાદાસ્પદ ટિપ્પણી કરી રહ્યો છું પરંતુ મને લાગે છે કે તે સાચુ છે.

ટિપ્પણીનો અર્થ શું થાય છે તેવા સવાલના જવાબમાં સ્ટારકીએ જણવ્યું હતું કે, હું ધર્મના સંદર્ભમાં વાત કરી રહ્યો છું. સ્ટારકીની આ ટિપ્પણીઓને પગલે ઉગ્ર હોબાળો મચી ગયો હતો અને રેસિઝમ માટે તેમની આકરી ટીકા કરાઇ હતી.

પૂર્વ કેબિનેટ મંત્રી શૈલેષ વારાએ જણાવ્યું હતું કે, આ એક ખેદજનક ટિપ્પણી છે અને તેમાં આધુનિક બ્રિટનનું પ્રતિબિંબ નથી. રિશી સુનાક કોઇપણ દેશભક્ત નાગરિક જેટલા જ તાજપોશીની ઉજવણીઓ પ્રત્યે પ્રતિબદ્ધ છે. રિશી સુનાક તાજપોશીની પ્રક્રિયામાં બાઇબલ વાંચન કરવાના છે. પહેલીવાર તાજપોશીમાં અન્ય ધર્મના લોકો સક્રિય ભુમિકા ભજવવાના છે.

કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્ઝ ઓફ ઇન્ડિયના પ્રમુખ નયાઝ કાઝીએ જણાવ્યું હતું કે, ડેવિડ સ્ટારકીની બેહુદા ટિપ્પણીથી મને ઘણું દુઃખ થયું છે. તેમની ટિપ્પણી દર્શાવે છે કે તેઓ આધુનિક બ્રિટનને સમજી શક્યાં નથી. હું પણ રિશીની જેમ બ્રિટનમાં જન્મ્યો છું. 1960ના દાયકામાં લાખો લોકોની જેમ અમારા માતાપિતા પણ માઇગ્રેશન કરીને બ્રિટન આવ્યા અને આ દેશને પોતાનું વતન બનાવીને રહ્યાં છે. અમારા માટે બ્રિટન અને તેની સંસ્કૃતિ પ્રથમ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter