લંડનઃ ઇતિહાસમાં પહેલીવાર કોમનવેલ્થ ગેમ્સનું પે ટીવી પર પ્રસારણ થશે. વર્ષ 2026ના સમરમાં ગ્લાસગોમાં આયોજિત થનારી કોમનવેલ્થ ગેમ્સના પ્રસારણના અધિકાર બીબીસીને પછડાટ આપીને ટીએનટી સ્પોર્ટ્સે ખરીદી લીધાં છે.
2022માં બર્મિંગહામમાં આયોજિત કોમનવેલ્થ ગેમ્સના પ્રસારણ અધિકાર માટે બીબીસીએ 10 મિલિયન પાઉન્ડ ચૂકવ્યાં હતાં. પરંતુ આ વખતે કોમનવેલ્થના સત્તાવાળાઓએ ફ્રી ટુ એર વિકલ્પના મુદ્દા પર કેશના મુદ્દાને વધુ પ્રાથમિકતા આપી છે. ટીએનટી સ્પોર્ટ્સે 5 મિલિયન પાઉન્ડની નિવિદા આપી હતી પરંતુ બીબીસીની ઓફર કરતાં તે વધુ છે.
એવું બની શકે કે ટીએનટી સ્પોર્ટ્સ હાઇલાઇટ્સના પ્રસારણ માટે બીબીસી સાથે અલગથી કરાર કરે. પરંતુ આ કરાર કોમનવેલ્થ ગેમ્સના પરંપરાગત પ્રસારણ મોડેલથી તદ્દન વિપરિત છે. બીબીસીએ જણાવ્યું હતું કે, વર્ષો સુધી કોમનવેલ્થ ગેમ્સનું પ્રસારણ કરવાનું અમને ગૌરવ છે પરંતુ આ વખતે અમારી નિવિદા અન્ય સ્પર્ધકની નિવિદા કરતાં ઓછી રહી હતી. અમે ફ્રી ટુ એર સર્વિસ દ્વારા શક્ય એટલા દર્શકો સુધી ગેમ્સની હાઇલાઇટ્સ પહોંચાડવાનો પ્રયાસ કરીશું.


