લંડનઃ બ્રિટિશ નેવીના રોયલ ફ્લીટ ઓક્ઝિલિયરી શિપ્સ આરએફએ આર્ગસ અને આરએફએ લાઇમ બેને મરામત માટે ભારત મોકલાયાં છે. રોયલ નેવીના જહાજોને ભારત ખાતે મરામત માટે મોકલાયાં હોય તેવી આ પહેલી ઘટના છે. બંને જહાજની મરામત અને મેન્ટેનન્સ એલ એન્ડ ટી શિપ બિલ્ડિંગ કંપનીના કટ્ટુપલ્લી શિપયાર્ડમાં થશે.
મેરીટાઇમ ક્ષેત્રે યુકે અને ભારત વચ્ચે લાંબા સમયથી સહકાર સધાઇ રહ્યો છે. આ ઘટના ઐતિહાસિક માઇલસ્ટોન સમાન છે. ભારત ખાતેના ડેપ્યુટી બ્રિટિશ હાઇ કમિશ્નર ઓલિવર બોલહેચેટે જણાવ્યું હતું કે, આ પહેલી ઘટના છે જેમાં રોયલ નેવીના જહાજોને મેન્ટેનન્સ માટે ભારત મોકલાયાં છે. આ પગલું ભારત અને યુકેના 2030 સુધીના રોડમેપ તરફ મહત્વનું છે. તે હિંદ મહાસાગરમાં વૈશ્વિક સુરક્ષા પડકારોમાં સહિયારી સમજને પણ પ્રતિબિંબિત કરે છે.