લંડનઃ ભવિષ્યમાં ઇનહેરિટન્સ ટેક્સ ચૂકવવો ન પડે તે માટે હજારો માતાપિતા તેમના સંતાનોના નામે હાઉસિંગ ડિપોઝિટ પેટે મોટી રકમ જમા કરાવી રહ્યાં છે. ગયા વર્ષે 1,10,325 ખરીદદારોએ પોતાના પરિવારના સભ્ય પાસેથી ઓછામાં ઓછા એક લાખ પાઉન્ડ ડિપોઝિટ પેટે પ્રાપ્ત કર્યાં હતાં. જે 2023ની સરખામણીમાં 8 ટકાનો વધારો દર્શાવે છે.
પોતાના મૃત્યુ પછી પરિવારના સભ્યોને તગડો ઇનહેરિટન્સ ટેક્સ ચૂકવવો ન પડે તે માટે ઘણા લોકો આ પ્રકારની ડિપોઝિટ દ્વારા નાણા ભેટમાં આપવાનું પસંદ કરી રહ્યાં છે. લીગલ એક્સપર્ટ ડંકન બેઇલી કહે છે કે અમારા ઘણા ક્લાયન્ટ આ રીતે નાણા ભેટ કરવા માટે ઇન્કવાયરી કરી રહ્યાં છે.
તેમણે જણાવ્યું હતું કે, એપ્રિલ 2027થી અમલમાં આવી રહેલા ઇનહેરિટન્સ ટેક્સના કારણે પોતાના પેન્શનમાંથી મોટી રકમ ભેટમાં આપી દેવાનું ચલણ વ્યાપક બની રહ્યું છે. તેનો અર્થ એ થયો કે ઘણા લોકો જીવતે જીવ પોતાની મહેનતથી કરેલી બચતોના ફળનો લાભ લઇ લેવા માગે છે અને તેના ફળ પોતાના સંતાનોને પણ મળે તેવા પ્રયાસ કરી રહ્યાં છે.
ઘણા દાદા-દાદી અથવા માતા-પિતા તેમના પુખ્ત સંતાનોને મોટી રકમ આપી રહ્યાં હોવાની બાબત સામાન્ય બની રહી છે. તેમાં મોટી હાઉસિંગ ડિપોઝિટોનો પણ સમાવેશ થાય છે. ઓટમ બજેટમાં કરાયેલી જાહેરાત પ્રમાણે એપ્રિલ 2027થી પેન્શનને પણ એસ્ટેટ તરીકે ગણાશે તેથી પેન્શનના નાણા ભેટમાં આપનારા લોકોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે.