લંડનઃ ચાન્સેલર જોન હિલીએ તેમના પ્રથમ બજેટમાં ઇન્કમ ટેક્સ મુક્તિ મર્યાદા ફ્રીઝ રાખવાનો નિર્ણય કરતાં કરદાતાઓને રાહતની આશા ઠગારી નીવડી છે. વર્ષ 2021 સુધી યુકેમાં ઇન્કમ ટેક્સની મર્યાદા સામાન્ય રીતે ફુગાવાના દર મુજબ દર વર્ષે વધારવામાં આવતી હતી. જોકે તત્કાલીન ચાન્સેલર રિશી સુનાકે તે વર્ષના બજેટમાં એપ્રિલ 2022થી 2026 સુધી ટેક્સ સ્લેબ ફ્રીઝ રાખવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ કન્ઝર્વેટિવ સરકારે આ ફ્રીઝ 2028 સુધી લંબાવ્યો હતો અને ગત વર્ષે તત્કાલીન લેબર ચાન્સેલર રેચલ રીવ્ઝે તેને 2030 સુધી યથાવત રાખવાની જાહેરાત કરી હતી. હિલીએ પોતાના બજેટ ભાષણમાં આ ફ્રીઝ અંગે કોઈ ઉલ્લેખ કર્યો ન હતો, પરંતુ સત્તાવાર દસ્તાવેજો દર્શાવે છે કે આ નીતિ યથાવત રાખવામાં આવી છે. ટેક્સ મર્યાદા ફ્રીઝ રાખવાથી ફિસ્કલ ડ્રેગની સ્થિતિ ઊભી થાય છે, એક એવી પરિસ્થિતિ જેમાં પગાર વધારા સાથે કરદાતાઓ આપોઆપ ઊંચા ટેક્સ સ્લેબમાં આવી જાય છે. જોન હિલીએ નેશનલ લિવિંગ વેજમાં એપ્રિલ 2027થી 3.9 ટકાના વધારાની જાહેરાત કરી છે તેથી મોટી સંખ્યામાં કરદાતાઓ ઇન્કમટેક્સના દાયરામાં આવશે અને ઘણા કરદાતાઓના સ્લેબમાં બદલાવ થતાં વધુ ટેક્સ ચૂકવવો પડશે.
ટેક્સ સ્લેબ અને દરો યથાવત
- પર્સનલ એલાઉન્સ (મુક્તિ મર્યાદા): £12,570 સુધીની વાર્ષિક આવક પર કોઈ ટેક્સ લાગતો નથી.
- બેઝિક રેટ (20%): £12,571 થી £50,270 સુધીની આવક પર.
- હાયર રેટ (40%): £50,270 થી £125,140 સુધીની આવક પર.
- એડિશનલ રેટ (45%): £1,25,140 થી વધુ આવક પર.


