લંડનઃ સર કેર સ્ટાર્મરની લેબર સરકાર યુકેમાં અભ્યાસ કરવા આવતા ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ પર લેવી લાદવાના પ્રસ્તાવ પર વિચારણા કરી રહી છે. સરકાર યુકેના ઘરેલુ વિદ્યાર્થીઓ માટેની મેન્ટેનન્સ ગ્રાન્ટ માટે નાણા એકઠાં કરવા આ પગલું લેવાની તૈયારી કરી રહી છે. એજ્યુકેશન સેક્રેટરી બ્રિજિટ ફિલિપસને આ પ્રસ્તાવને સમર્થન આપ્યું છે. 29 સપ્ટેમ્બરના રોજ આયોજિત લેબર પાર્ટીની કોન્ફરન્સમાં ફિલિપસને હાયર એજ્યુકેશન માટેની મેન્ટેનન્સ ગ્રાન્ટ ફરી શરૂ કરવાની જાહેરાત કરી હતી. જેના દ્વારા ગરીબ વિદ્યાર્થીઓને વધારાની આર્થિક સહાય આપી શકાશે.
ફિલિપસને જણાવ્યું હતું કે, જેમને શિક્ષણ પ્રાપ્ત કરવા માટે સહાયની જરૂર છે તેમને અપાશે. અમે આ માટે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ પર લેવી લાદીને નાણા એકઠાં કરીશું. અમે આ અંગે અગાઉ પણ જાહેરાત કરી હતી.
ભારતીય વિદ્યાર્થીઓ યુકેમાં અભ્યાસ માટે આવતા બંધ થઇ જશેઃ આઇએનએસએ યુકે
ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ પર લેવી લાદવાની સરકારની કવાયતની યુકેમાં ભારતીય વિદ્યાર્થીઓનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થાઓએ આકરી ટીકા કરી છે. આઇએનએસએ યુકેના પ્રમુખ અમિત તિવારીએ જણાવ્યું હતું કે, 6 ટકાની લેવી ભારતીય વિદ્યાર્થીઓેને હાયર એજ્યુકેશનના માર્કેટમાંથી બહાર કરી દેશે. 2024માં યુકેની ઇકોનોમીમાં ભારતીય વિદ્યાર્થીઓનું યોગદાન 4 બિલિયન પાઉન્ડ રહ્યું હતું. નવા ટેક્સના કારણે તેઓને કેનેડા, ઓસ્ટ્રેલિયા અને અમેરિકા તરફ નજર દોડાવવાની ફરજ પડશે.

