ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ લાવતા એજન્ટોની કામગીરીની તપાસના આદેશ

ઘરેલુ વિદ્યાર્થીઓ કરતાં ઓછા ગ્રેડ છતાં યુનિવર્સિટીઓમાં ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સને પ્રવેશ અપાતા હોવાના આરોપો સામે સરકાર ગંભીર

Tuesday 30th January 2024 11:59 EST
 
 

લંડનઃ યુકેની યુનિવર્સિટીઓમાં ઘરેલુ વિદ્યાર્થીઓની સરખામણીમાં લોઅર ગ્રેડ ધરાવતા ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સને પ્રવેશ અપાતો હોવાના અહેવાલો બાદ સરકારે એજન્ટો દ્વારા અપનાવાતી રીતરસમોની તપાસ કરવાના સરકારે આદેશ આપ્યા છે. મિનિસ્ટર રોબર્ટ હાલ્ફોને જણાવ્યું હતું કે, ઘરેલુ વિદ્યાર્થીઓની સરખામણીમાં લોઅર ગ્રેડ ધરાવતા વિદેશી વિદ્યાર્થીઓને યુકેની યુનિવર્સિટીઓમાં પ્રવેશ અપાતો હોવાના અહેવાલોએ મને ઘણો વિચલિત કર્યો છે.

સન્ડે ટાઇમ્સના અહેવાલમાં આરોપ મૂકાયો હતો કે યુકેના પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાનોમાં સામેલ રસેલ ગ્રુપની કેટલીક યુનિવર્સિટીઓમાં એજન્ટો દ્વારા ઓછા ગ્રેડ હોવા છતાં વિદેશી વિદ્યાર્થીઓના પ્રવેશ સુનિશ્ચિત કરાવવામાં આવે છે. સંસ્થા દ્વારા ઓછી લાયકાત હોવા છતાં પ્રવેશ મળે તેવા ફાઉન્ડેશન કોર્ષ ચલાવવામાં આવે છે જેના કારણે વિદેશી વિદ્યાર્થીઓ યુનિવર્સિટીઓના ડિગ્રી અભ્યાસક્રમોમાં સહેલાઇથી પ્રવેશ મેળવી લે છે.

અખબારે જણાવ્યું હતું કે, બ્રિટિશ યુનિવર્સિટીઓ ઇન્ટરનેશનલ વિદ્યાર્થીઓ મેળવવા માટે એજન્ટોને દર વર્ષે મિલિયનો પાઉન્ડનું કમિશન આપે છે કારણ કે તેમને ઇન્ટરનેશનલ વિદ્યાર્થીઓ પાસેથી તગડી ફી મળે છે.

રોબર્ટ હાલ્ફોને હાઉસ ઓફ કોમન્સમાં જણાવ્યું હતું કે, હું પણ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સને આવકારું છું પરંતુ હું ઘરેલુ વિદ્યાર્થીઓ માટે પણ સમાન તકો અને સ્પર્ધા ઇચ્છું છું. સન્ડે ટાઇમ્સનો અહેવાલ જોયા બાદ મે વાઇસ ચાન્સેલરો સાથે મુલાકાત કરી હતી. મેં એજ્યુકેશન ડિપાર્ટમેન્ટને એજન્ટોના કરતૂતોની તપાસ કરવાના આદેશ જારી કરી દીધાં છે. મને પ્રાપ્ત થયેલી માહિતીથી હું ઘણો વિચલિત છું.

જોકે યુનિવર્સિટી સેક્ટટરના આગેવાનો આરોપો નકારી કાઢતાં કહે છે કે અખબાર તેની તપાસમાં ડિગ્રી અભ્યાસક્રમોમાં પ્રવેશની લાયકાત અને ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન યર પ્રોગ્રામ વચ્ચે તફાવત કરવામાં નિષ્ફળ ગયું છે. અમે આ પ્રોગ્રામ દ્વારા ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સને ડિગ્રી અભ્યાસક્રમમાં પ્રવેશ માટે તૈયાર કરીએ છીએ પરંતુ તેને પ્રવેશ મળી જ જશે તેની કોઇ ગેરેંટી હોતી નથી.

ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સની અરજીઓમાં મોટો ઘટાડો, યુનિવર્સિટીઓ મુશ્કેલીમાં

યુકેના હાયર એજ્યુકેશન સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. 2023માં 33 ટકા યુનિવર્સિટીઓમાં ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સની અરજીઓમા નોંધપાત્ર ઘટાડો થયો છે. જેના પગલે બ્રિટિશ શૈક્ષણિક સંસ્થાનો સામે ન કેવળ આર્થિક પડકારો ઊભા થયા છે પરંતુ ગ્લોબલ એજ્યુકેશનના પરિમાણોમાં બદલાવના સંકેતો મળી રહ્યાં છે. જેના પગલે ભવિષ્યમાં રોજગારના મામલામાં પણ વિપરિત અસરો થવાની સંભાવના છે.

ગ્રેજ્યુએશન બાદ કેર સેક્ટરમાં મોટી સંખ્યામાં જોડાતાં વિદેશી વિદ્યાર્થીઓ

લંડનઃ સરકારની માઇગ્રેશન નીતિના કારણે ઊભી થયેલી મુશ્કેલીઓ પર પ્રકાશ પાડતા રિસર્ચમાં જણાવવામાં આવ્યું છે કે યુકેમાં વસતા વિદેશી સ્નાતકો મોટી સંખ્યામાં કેર સેક્ટરમાં કામ કરી રહ્યાં છે. તેમની સંખ્યામાં છેલ્લા એક વર્ષમાં 6 ગણો વધારો થયો છે. જૂન 2023માં પૂરા થયેલા એક વર્ષમાં ગ્રેજ્યુએટ વિઝામાંથી સ્કીલ્ડ વર્કર વિઝામાં તબદિલ થયેલા વિદેશી વિદ્યાર્થીઓ પૈકીના 50 ટકાથી વધુ કેર વર્ક કરી રહ્યાં છે. 2022માં કેર સેક્ટરમાં 3900 વિદ્યાર્થીને નિયુક્ત કરાયાં હતાં જેની સામે 2023માં 26200 વિદેશી ગ્રેજ્યુએટ કેર સેક્ટરમાં જોડાયાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter