ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સના પરિવારને યુકેમાં લાવવાના નિયમો કડક બનાવાશે

યુકેમાં પરિવારને લાવવા વિદેશી વિદ્યાર્થીઓ દ્વારા નિયમોનો દુરુપયોગ – ઇમિગ્રેશન મંત્રી

Wednesday 07th December 2022 05:38 EST
 
 

લંડન

બ્રિટનમાં રાજ્યાશ્રય માટે આવતા વિદેશી નાગરિકો અને ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ પર આગામી સમયમાં સરકાર દ્વારા કડક વલણ અપનાવવાના સંકેતો સુનાક સરકારના મંત્રીએ આપ્યા છે. ઇમિગ્રેશન મિનિસ્ટર રોબર્ટ જેનરિકે જણાવ્યું હતું કે, યુકે બોડી બામણીનું ખેતર નથી કે તેમાં ગમે તે ઘૂસી આવે. જેનરિકે બ્રિટનમાં અભ્યાસ કરવા આવતા ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, તેઓ પોતાના પરિવારને યુકેમાં સ્થાયી થવા લાવવા માટે આ પાછલા બારણાનો ઉપયોગ કરી રહ્યાં છે જેના કારણે સરકારી સેવાઓ પર બોજો પડી રહ્યો છે.

નાની હોડીઓ દ્વારા ઇંગ્લિશ ચેનલ પાર કરીને આવતા વિદેશી નાગરિકોની સમસ્યા પર તેમણે જણાવ્યું હતું કે, આ સમસ્યાનો ઝડપથી ઉકેલ આવી શકે તેમ નથી. આપણે આગામી ઘણા વર્ષો સુધી આ સમસ્યાનો સામનો કરતા રહેવું પડશે. હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેન ઇંગ્લિશ ચેનલ દ્વારા થતી ઘૂસણખોરી અટકાવવા માટે આગામી સપ્તાહમાં નવા નિયમો જાહેર કરે તેવી સંભાવના છે.

જેનરિકે જણાવ્યું હતું કે, આપણે આપણી ઇમિગ્રેશન સિસ્ટમમાં ધરખમ સુધારા કરવાની જરૂર છે. 10 ડાઉનિંગ સ્ટ્રીટ બ્રિટનમાં અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓના આશ્રિતો મામલે કડક નિયમો લાવવાની વિચારણા કરી રહી છે ત્યારે જેનરિકે બ્રિટનમાં અભ્યાસ માટે આવતા વિદેશી વિદ્યાર્થીઓના બદઇરાદાઓ સામે સવાલો ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, પોતાના પરિવારોને યુકેમાં લાવવા માટે વિદેશી વિદ્યાર્થીઓ પાછલા બારણાનો ઉપયોગ કરે છે અને લાંબા સમય સુધી બ્રિટનમાં રોકાઇ જાય છે. યુકેમાં સ્થાયી થવા માટે મોટી સંખ્યામાં લોકો આ રૂટનો ઉપયોગ કરી રહ્યાં છે. માઇગ્રેશનમાં વધારા માટે આ પણ એક જવાબદાર પરિબળ છે. ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સને કારણે સમાજ અને ઇકોનોમીને થોડો લાભ ભલે થતો હોય પરંતુ તેના કારણે સરકારી યોજનાઓ પર બોજ વધે છે. હાલ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ માટે પરિવારને યુકેમાં લાવવાના નિયમો ઘણા હળવા છે. અમે તેની પુનઃસમીક્ષા કરવા માગીએ છીએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter