લંડનઃ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સની ઘટી રહેલી સંખ્યાને કારણે યુકેની યુનિવર્સિટીઓ દ્વારા ખર્ચમાં કાપ મૂકાતાં વિદ્યાર્થીઓને અપુરતા સ્ટાફ, શિક્ષણની કથળતી ગુણવત્તા અને વિકલ્પોના અભાવનો સામનો કરવો પડશે. યુનિવર્સિટીઓના વડાઓએ ચેતવણી આપી છે કે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સની સંખ્યામાં મોટો ઘટાડો થવાના કારણે સંખ્યાબંધ યુનિવર્સિટીઓને ખોટનો સામનો કરવો પડશે જેના પગલે અભ્યાસક્રમો બંધ કરવા અને એકેડેમિક સ્ટાફમાં ઘટાડો કરવા જેવા મુશ્કેલ નિર્ણયો લેવા પડશે.
નાઇજિરિયામાં આર્થિક કટોકટીના કારણે વિદ્યાર્થીઓની અરજીઓમાં મોટો ઘટાડો નોંધાયો છે તો સરકાર દ્વારા વિઝા અને ઇમિગ્રેશનના નિયમો કડક બનાવાતાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ ઘટાડો થઇ રહ્યો છે. દર 10માંથી એક યુનિવર્સિટી આ વર્ષે સ્ટાફમાં ઘટાડો કરી રહી છે. કેટલીક યુનિવર્સિટી સામે નાદાર થવાનું જોખમ સર્જાયું છે.
સરકારે સ્થાનિક વિદ્યાર્થીઓ માટેની ફીને છેલ્લા એક દાયકા કરતાં વધુ સમયથી ફ્રીઝ કરી દીધી છે તેના કારણે ઘરેલુ વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં યુનિવર્સિટીઓને ખોટ જઇ રહી છે. અત્યાર સુધી ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સની તગડી ફીના કારણે યુનિવર્સિટીઓ આ ખોટને કવર કરી લેતી હતી. આગામી વર્ષમાં ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સની સંખ્યામાં 37 ટકા સુધીનો ઘટાડો થવાની સંભાવના છે.