લંડનઃ યુકેના વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું હતું કે, 500 વિમાન ખરીદવાના ઇન્ડિગો સાથેના એરબસના કરારના પગલે યુકેના એરોસ્પેસ સેક્ટરને મોટો લાભ થશે. આ સોદાના કારણે બિલિયન્સ પાઉન્ડનું મૂડીરોકાણ થતાં રોજગારીની હજારો તકો સર્જાશે.
ભારતીય એરલાઇન્સ ઇન્ડિગોએ એરબસ પાસેથી 500 વિમાન ખરીદવાનો ઓર્ડર આપ્યાની જાહેરાત કરી હતી. નાગરિક ઉડ્ડયન ઇતિહાસનો આ સૌથી મોટો સોદો મનાય છે. સુનાકે જણાવ્યું હતું કે, અમારા એરોસ્પેસ સેક્ટર માટે આ સોદો એક મોટા વિજય સમાન છે. એરબસ સાથે ઇન્ડિગોના આ સોદાના કારણે યુકેમાં અબજો પાઉન્ડનું રોકાણ થશે અને સમગ્ર દેશમાં રોજગારીની હજારો તકો ઊભી થશે જે દેશના અર્થતંત્રને વેગ આપવામાં મદદરૂપ થશે. આ પહેલાં એર ઇન્ડિયા દ્વારા પણ એરબસ સાથે 470 વિમાન ખરીદવાનો કરાર કરાયો હતો.
એરબસના ઇન્ટરનેશનલ વડા ક્રિશ્ચિયન શેરરે જણાવ્યું હતું કે, આ સીમાસ્થંભ સ્વરૂપઓર્ડર એરબસ અને ઇન્ડિગોના સંબંધોમાં નવું પ્રકરણ છે જે વિશ્વના સૌથી ઝડપથી વિકસી રહેલા એવિએશન માર્કેટમાં લાખો લોકોને વ્યાજબી દરોએ હવાઇ મુસાફરીની સુવિધા ઉપલબ્ધ કરાવશે.


