લંડનઃ 17 સપ્ટેમ્બરથી બંધ થઇ રહેલી ઐતિહાસિક રેસ્ટોરન્ટ ઇન્ડિયા ક્લબનું મેનેજમેન્ટ તેને નવા સ્થળે શરૂ કરવાની યોજના બનાવી રહ્યું છે. ઇન્ડિયા ક્લબના માલિક યાદગાર માર્કર અને તેમની દીકરી ફિરોઝા નવા સ્થળે આ ઐતિહાસિક વારસાને જાળવી રાખવા માગે છે તે જાણીને તેના પ્રશંસકોમાં આનંદની લાગણી વ્યાપી જશે. ઇન્ડિયા ક્લબ 1950ના દાયકાથી હજારો ભારતીયોને ઘરથી દૂર છતાં ઘર જેવો જ રસોઇનો આનંદ આપી ચૂકી છે. ઇન્ડિયા ક્લબ બંધ થવાના અહેવાલોને પગલે તેના ઘણા ગ્રાહકોને આઘાત લાગ્યો હતો પરંતુ હવે આશા જન્મી છે કે નવા સ્થળે આ રેસ્ટોરન્ટ સેવાઓ આપવાનું જારી રાખશે.

