લંડનઃ લંડન સ્થિત ભારતીય હાઇ કમિશન ખાતે ભારતના લોહપુરુષ અને પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઇ પટેલની 150મી જન્મજયંતિની 31 ઓક્ટોબર ગુરુવારના રોજ ઉજવણી કરાઇ હતી. સરદાર પટેલ મેમોરિયલ સોસાયટી (યુકે)ની ભાગીદારીમાં ઇન્ડિયા હાઉસ ખાતે આયોજિત સમાપોહમાં પાર્લામેન્ટરી અંડર સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઇન્ડો-પેસિફિક રિજિયન સીમા મલ્હોત્રા, યુકે સ્થિત ભારતીય હાઇ કમિશ્નર વિક્રમ દોરાઇસ્વામી, ડેપ્યુટી હાઇ કમિશ્નર કાર્તિક પાંડે, લોર્ડ રેમી રેન્જર, પૂર્વ સાંસદ વિરેન્દ્ર શર્મા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં. તેમણે સંયુક્ત રીતે દીપ પ્રગટાવી સરદાર વલ્લભભાઇ પટેલને પુષ્પાંજલિ સાથે શ્રદ્ધાસુમન અર્પણ કર્યાં હતાં.
આ પ્રસંગે સરદાર પટેલ મેમોરિયલ સોસાયટી (યુકે)ના સેક્રેટરી ક્રિશ્ના પુજારાએ આવકાર સંબોધન કરતાં સરદાર પટેલના વારસાની જાળવણી માટે આગામી યોજનાઓની રૂપરેખા રજૂ કરી હતી.
સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપતા સીમા મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, પટેલનું જીવન એકતા અને શાંતિ માટે અસામાન્ય પડકારોને તકોમાં પલટાવી દેવાની ભાગ્યે જ જોવા મળતી ક્ષમતા દર્શાવે છે. બેરિસ્ટર તરીકે લંડનમાં તેમની કામગીરી અને ભારતની રાજતીય ઓળખને આકાર આપવામાં તેમની ભુમિકા મહત્વની રહી. તેમના મૂલ્યોએ આધુનિક ભારત અને યુકે વચ્ચેના સંબંધોને વ્યાખ્યાયિત કર્યાં છે.
ભારત અને યુકે વચ્ચેના સંબંધોને ઇન્ડિયન ડાયસ્પોરા દ્વારા મજબૂત બનાવાયેલ લિવિંગ બ્રિજ તરીકે વર્ણવતા જણાવ્યું હતું કે, દ્વિપક્ષીય સંબંધો મજબૂત બનાવવા માટે હું આગામી સમયમાં બેંગલોર અને ચેન્નઇની મુલાકાત લેવાની છું.
ભારતીય હાઇ કમિશ્નર વિક્રમ દોરાઇસ્વામીએ સરદાર પટેલને ફક્ત જમીન જ નહીં પરંતુ સાચા અર્થમાં એકતાના પ્રતીક ગણાવ્યા હતા. દોરાઇસ્વામીએ જણાવ્યું હતું કે, સરદાર પટેલનું એકતા અને ભાઇચારાનું વિઝન ભારતના લોકતાંત્રિક મૂલ્યોને આકાર આપી રહ્યું છે અને ભારતીય સમુદાયને માર્ગદર્શન આપે છે. દોરાઇસ્વામીએ ભારત અને યુકે વચ્ચેના સંબંધો અને જાહેર જીવનમાં યોગદાન માટે સીમા મલ્હોત્રાને યુનિટી એવોર્ડ પ્રદાન કર્યો હતો.
લોર્ડ રેમી રેન્જરે જણાવ્યું હતું કે, સરદાર પટેલ સાચા અર્થમાં ભારતના આર્કિટેક્ટ હતા. ભારત આઝાદ થયો ત્યારે રાષ્ટ્રીય એકતા અત્યંત મહત્વની જરૂરીયાત હતી. સરદાર પટેલ એકતા ન હોવાના કારણે હજારો વર્ષો સુધી વિદેશી આક્રમણનો ભોગ બનેલી સનાતની સંસ્કૃતિને પુનર્જિવિત કરનારા ઉદ્દીપક હતા. એકતા વિના આજે પણ ભારત વિદેશી આક્રમણો સામે ઝઝૂમી રહ્યો હોત. ભારતના લોહપુરુષે મુશ્કેલીઓ વેઠીને પણ આપેલી એકતા જ ભારતને સફળ બનાવી રહી છે. આપણે સરદાર પટેલના ઋણી છીએ.


