ઇન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન મુદ્દે બીબીસી યુકે પર બદનક્ષીનો દાવો

બીબીસી યુકે અને બીબીસી ઇન્ડિયાને દિલ્હી હાઇકોર્ટની નોટિસ

Tuesday 23rd May 2023 13:16 EDT
 
 

લંડનઃ એક એનજીઓ દ્વારા કરાયેલા બદનક્ષીના દાવા અંતર્ગત દિલ્હી હાઇકોર્ટે બીબીસીને સમન્સ પાઠવ્યા છે. એનજીઓનો દાવો છે કે બીબીસીએ તેની દસ્તાવેજી ફિલ્મ દ્વારા ભારત, તેના ન્યાયતંત્ર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિષ્ઠા ખરડી છે. ગુજરાત સ્થિત એનજીઓ જસ્ટિસ ફોર ટ્રાયલ દ્વારા દાખલ કરાયેલા ખટલા અંતર્ગત દિલ્હી હાઇકોર્ટના ન્યાયાધીશ સચિન દત્તાએ બીબીસી યુકેની સાથે સાથે બીબીસી ઇન્ડિયાને પણ નોટિસ પાઠવી જવાબ રજૂ કરવા આદેશ આપ્યો છે.

એનજીઓએ તેની અરજીમાં જણાવ્યું હતું કે, બીબીસી ઇન્ડિયા સ્થાનિક ઓપરેશન ઓફિસ છે અને બીબીસી યુકે દ્વારા બે એપિસોડમાં ઇન્ડિયાઃધ મોદી ક્વેશ્ચન ફિલ્મ પ્રસારિત કરાઇ હતી. એનજીઓ વતી હાજર રહેલા સીનિયર એડવોકેટ હરીશ સાલ્વેએ જણાવ્યું હતું કે, ભારત, ન્યાયતંત્ર સહિતની તેની આખી સિસ્ટમની છબિ ખરડતી દસ્તાવેજી ફિલ્મના સંદર્ભમાં આ બદનક્ષીનો દાવો માંડવામાં આવ્યો છે. આ દસ્તાવેજી ફિલ્મમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પણ કાદવ ઉછાળવામાં આવ્યો છે. હાઇકોર્ટે હવે વધુ સુનાવણી 15 સપ્ટેમ્બરના રોજ હાથ ધરવાનું નક્કી કર્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter