લંડનઃ ઇન્ફેક્ટેડ બ્લડ સ્કેન્ડલની ઇન્કવાયરીના અધ્યક્ષે સરકાર પર પીડિતોનો અવાજ નહીં સાંભળવાનો આરોપ મૂકતાં વળતરની સિસ્ટમમાં ધરમૂળથી બદલાવની ભલામણ કરી છે. ઇન્કવાયરી દ્વારા જારી કરાયેલા વધારાના રિપોર્ટમાં સરકારની વળતર યોજનાની નિષ્ફળતાઓ ઉજાગર કરાઇ છે, ઇન્કવાયરીએ સરકારને વળતર પ્રક્રિયા ઝડપી અને પારદર્શક બનાવવા ભલામણ કરી છે.
ઇન્કવાયરીએ મે 2024ના રિપોર્ટમાં ભલામણ કરાઇ હોવા છતાં સ્કેન્ડલના પીડિતોનો સંપર્ક કર્યા વિના જ વળતરની યોજના તૈયાર કરવાનો સરકાર પર આરોપ મૂક્યો છે. ઇન્કવાયરીના અધ્યક્ષ સર બ્રાયન લેન્ગસ્ટાફે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા સતત અવગણના થવાના કારણે ચેપી લોહીના કારણે પીડિતો વર્ષો સુધી યાતના સહન કરતા રહ્યાં છે. સરકાર દ્વારા બંધ બારણે લેવાતા નિર્ણયો અન્યાયમાં વધારો કરી રહ્યાં છે.
સરકાર વર્ષોથી સારી રીતે જાણે છે કે તેને હજારો લોકોને વળતર ચૂકવવાનું જ છે અને તેણે કોને વળતર ચૂકવવું પડશે તેવા પીડિતોની ઓળખ પણ કરી હતી પરંતુ અત્યાર સુધીમાં ફક્ત 460 પીડિતને વળતર ચૂકવાયું છે. હજારો પીડિતોને હજુ વળતર મેળવવાની પ્રક્રિયા પણ શરૂ કરવા દેવાઇ નથી.
1970થી 1990ના દાયકા વચ્ચે 30,000થી વધુ લોકોને ચેપી લોહી ચડાવવામાં આવ્યું હતું અને તેમાંથી 3000 કરતાં વધુ લોકોના મોત પણ થઇ ચૂક્યાં છે. ઘણા પીડિતો ન્યાય મળે તે પહેલાં જ મોતને ભેટે તેવું જોખમ પણ રહેલું છે. ઇન્કવાયરીએ જણાવ્યું છે કે જે લોકો મૃત્યુની નજીક છે અથવા તો ગંભીર રીતે બીમાર છે તેમને વળતર ચૂકવવામાં પ્રાથમિકતા આપવી જોઇએ.