લંડનઃ બ્રિટનના સૌથી યુવા ઉદ્યોગ સાહસિક 37 વર્ષીય હરમન નરુલા ચાન્સેલર રેચલ રીવ્ઝ અમીર ઇમિગ્રન્ટ્સ પરના કરવેરામાં વધારો કરે તે પહેલાં બ્રિટન છોડીને દુબઇમાં સ્થાયી થવાની તૈયારી કરી રહ્યા છે. હરમન નરુલા 2.5 બિલિયન પાઉન્ડની ટેક કંપની ઇમપ્રોબેબલના ચીફ એક્ઝિક્યુટિવ છે.
નરુલાએ જણાવ્યું હતું કે, આમ તો હું યુકે છોડી જવા માગતો નથી પરંતુ એક દિવસ હું તેમ કરીશ. હું નથી ઇચ્છતો કે મને તેમ કરતાં અટકાવવામાં આવે. નરુલાએ રીવ્ઝ દ્વારા પ્રસ્તાવિત એક્ઝિટ ટેક્સને બેજવાબદાર ગણાવતા ચેતવણી આપી છે કે આ ટેક્સ બજેટ પહેલાં સ્થળાંતર કરવા યુકેના ઉદ્યોગસાહસિકોને મજબૂર કરી રહ્યો છે. ઘણા લોકોને દેશ છોડી જવાની ફરજ પડી રહી છે.
નરુલાએ આરોપ મૂક્યો છે કે સરકાર ઉદ્યોગસાહસિકો વિરોધી નીતિઓ અપનાવી રહી છે અને તેના કારણે ઘણા સ્ટાર્ટ અપ દેશ છોડીને ચાલ્યા જશે. બ્રિટિશ સ્ટાર્ટ અપ પર નવા કરવેરા કુઠારાઘાત સમાન છે. ભારતમાં જન્મેલા નરુલા યુકેના નાગરિક છે. તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો. નરુલા કહે છે કે યુકે ઇમિગ્રન્ટ્સ અને વિશેષ ઉદ્યોગ સાહસિકો ઇચ્છતો નથી.


